કચ્છના સફેદ રણમાં નજર નાંખો ત્યાં સુધી પાણી ભરાયેલા છે, રણોત્સવ આયોજન પર પ્રશ્નાર્થ
- કચ્છમાં ભારે વરસાદને લીધે સફેદ રણમાં ઘૂંટણસમા પાણી ભરાયા,
- બે-ત્રણ મહિનામાં પાણી ઉતરે તેવી શક્યતા નથી,
ભૂજઃ કચ્છમાં આ વખતે ધોધમાર વરસાદ પડ્યો છે, જિલ્લામાં 183 ટકા જેટલો સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે ધોરડોના સફેદ રણ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ બે-ત્રણ મહિના રણ વિસ્તારમાં ભરાયેલા પાણી ઉતરે એવી કોઈ શક્યતા નથી. હાલ તો એવી સ્થિતિ છે. કે, નજર નાખો ત્યાં સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વખતે રણોત્સવના આયોજન પર પ્રશ્નાર્થ છે.
કચ્છના દુર્ગમ ધોરડો નજીક દર શિયાળામાં યોજાતા જગ વિખ્યાત રણોત્સવ સ્થળે હવે વરસાદી પાણી ભરાતા તેના આયોજનને લઈ શંકા છે. પહેલા પાણીના અભાવે સફેદ નમકની ચાદર ના બદલે માત્ર જમીન દેખાતા તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ હતી, તો છેલ્લે પડેલા ભારે વરસાદ બાદ સફેદ રણ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. સફેદ રણમાં હાલ ભારે વરસાદ પછી પાણી ભરાતાં રણનો નજારો દરીયા જેવો બની ગયો છે. જ્યાં રણોત્સવ માણવા લાખો પ્રવાસીઓ આવે છે એવા ધોરડોના સફેદ રણમાં ઘૂટણભેર પાણી ભરાયેલા છે. સામાન્ય રીતે જુન અથવા જુલાઈ મહિનામાં વરસાદ પડ્યા પછી ઓગસ્ટના અંત સુધીમાં પાણી ઓસરવા લાગે છે અને નવેમ્બર સુધીમાં રણમાં પાણી સૂકાઈ જાય છે. રણમાં પાણી સુકાયા બાદ ખારાશની જમીન ઉપર સફેદ નમકની ચાદર પથરાઈ જાય છે. જોકે હાલમાં ઓગસ્ટના અંતમાં ભારે વરસાદ પડતાં હવે આગામી બે મહિનામાં રણમાં પાણી સૂકાય તેવી કોઈ શક્યતા ન દેખાતાં આ વર્ષે પ્રવાસીઓ માટે સફેદ રણનું સૌંદર્ય માણવું અશક્ય બની જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
સફેદ રણની આસપાસ રહેતા સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લે પડેલા ભારે વરસાદથી આગામી રણોત્સવની સીઝન સુધીમાં રણનું પાણી સૂકાય તે શક્ય લાગતું નથી. રણોત્સવ માટે જો આસપાસની કેમિકલ કંપનીઓ અત્યારથી જ પાણી ખેંચવાનું શરૂ કરે અથવા રણોત્સવનું સંચાલન કરતી એજન્સી દ્વારા મશીનો વડે રણનું પાણી ખેંચવામાં આવે તો પાણી વહેલું સૂકાઈ શકે છે.
કચ્છના પ્રખ્યાત સફેદ રણમાં મહિના પહેલા કાળી માટી જોવા મળતાં જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા વાળી સમિતિ રચીને અહેવાલ માંગ્યો હતો. આ અહેવાલ રજૂ થાય એ પહેલાં જ ભારે વરસાદ પડી જતાં હવે સફેદ રણમાં ઘૂટણભેર પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે રણોત્સવના આયોજન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. અલબત્ત પરપ્રાંતથી સફેદ રણ જોવા આવતા સહેલાણીઓ હાલ તો તંત્રના સંકલનના અભાવે ધરમનો ધક્કો ખાઈ લહેરાતા પાણી નિહાળી વીલા મોઢે પરત ફરી રહ્યા છે.