પાલનપુરઃ પાલનપુર આબુરોડ પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જુદા જુદા અકસ્માતના બે બનાવો બન્યા હતા જેમાં પાલનપુરના હાથીદરા નજીક યાત્રાળુઓની મીની બસ પલટી ખાઈ જતાં 10 યાત્રિકોને ઈજાઓ થઈ હતી. જ્યારે અકસ્માતના બીજા બનાવ આબુ રોડ પર સર્જાયો હતો. જેમાં એક કાર અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે બે જણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બન્ને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, આબુરોડથી સાત કિલોમીટર દૂર હનુમાન ટેકરી પાસે એક ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ડ્રાઇવર હીરાલાલ તેમના પુત્ર પોસારામનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં આબુરોડ ટ્રોમાં સેન્ટરમાં સ્થાનિક લોકોની મદદથી ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન લીલાબાઈ ઓસવાલનું પણ મોત થયું હતું. જેમાં બે અતિ ઘાયલ લોકોને સારવાર માટે આબુરોડથી પાલનપુર ખસેડાયા છે. ટ્રક ગુજરાતથી પિંડવાડા તરફ જઈ રહો હતો. જ્યારે કાર સવાર પરિવાર પણ શિવગંજથી પુણે મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા કારમાં ડ્રાઇવર સહિત કુલ પાંચ લોકો હતા.
બનાસકાંઠામાં અકસ્માતના બીજા બનાવમાં પાલનપુરના હાથીદરા નજીક એક યાત્રાળુ ભરેલી મીની બસ પલટી મારતા 10 જેટલા યાત્રાળુઓને નાના મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં મહેસાણાથી યાત્રાળુ મીની બસ મારફતે બાલારામથી હાથીદરા મહાદેવ તરફ જતા રસ્તામાં અચાનક બસ રોડની સાઈડમાં ખાડામાં ખબકતા મીની બસ પલટી મારી હતી. મહેસાણાથી યાત્રાળુઓ પાલનપુર નજીક આવેલા બાલારામ મહાદેવ તેમજ હાથીદરા મહાદેવના દર્શન કરવા અર્થ જતા હતા. બાલારામથી હાથીદરા રોડ વચ્ચે જ મીની બસ રોડની સાઈડમાં ખાડામાં ટાયર ઉતરી જવાથી બસએ પલટી મારી હતી. બસમાં સવાર શ્રદ્ધાળુને નાના મોટી ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થ પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.