- એનિમલ એક્સચેન્જ પોગ્રામ અંતર્ગત 13 પક્ષીઓ આપીને વાઘ-વાઘણ લવાયા,
- વાઘ-વાઘણને હાલ ક્વોરન્ટાઈનમાં રખાશે,
- વાઘ-વાઘણના નામકરણ કરાશે
વડોદરાઃ શહેરના કમાટી બાગના પ્રાણી સંગ્રહાલયમાં વાઘ અને વાઘણ કાયમી મહેમાન બન્યા છે. મહારાષ્ટ્રના નાગપુરથી એનિમલ એક્સચેન્જ પોગ્રામ અંતર્ગત વાઘ-વાઘણને વડોદરા ઝૂમાં લાવવામાં આવ્યા છે. બંનેની ઉંમર 4-5 વર્ષ છે અને હાલ ક્વોરન્ટાઇનમાં રખાયાં છે.
કેન્દ્ર સરકારના એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી બાદ 17 પક્ષી આપી વાઘ-વાઘણને વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં લવાયાં છે. કમાટીબાગ ઝૂના ડાયરેક્ટર ડો.પ્રત્યુષ પાટણકર અને તેમની ટીમ મહારાષ્ટ્રથી 900 કિમીના પ્રવાસ બાદ વાઘ અને વાઘણની જોડી લઈ વડોદરા પહોંચ્યા હતા. હાલ વાધ-વાઘણની જોડીને 30થી 45 દિવસ ક્વોરન્ટાઇન પિરિયડમાં મુકાયા છે.
કમાટીબાગ ઝૂના ડાયરેક્ટર ડો.પ્રત્યુષ પાટણકરે જણાવ્યુ હતું કે, એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત બતક, બગલા જેવાં પક્ષી અને શાહુડી સહિત 17ને મહારાષ્ટ્રના નાગપુરના ગોરેવાડા ખાતેના બાળા સાહેબ ઠાકરે આંતરરાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલયને અપાયાં છે અને સામે 4-5 વર્ષની ઉંમરનાં વાઘ-વાઘણ વડોદરા લવાયાં છે. દિવાળી બાદ શહેરીજનો વાઘ અને વાઘણની જોડીને જોઈ શકશે. હાલમાં બંનેનાં નામકરણ કરાયાં નથી. વડોદરા આવ્યા બાદ બંન્નેએ જમવાનું લીધું હતુ.
ડો.પ્રત્યુષ પાટણકરે કહ્યું કે, વાઘ અને વાઘણ પરેશ અને ધરતીની જોડી 16 વર્ષની થઈ છે અને અનેકવાર મેટિંગના પ્રયાસો કરાયા છે, પરંતુ નિષ્ફળ રહ્યા. 4 વર્ષની મહેનત બાદ 4-5 વર્ષના વાઘ અને વાઘણ મળ્યાં છે.