કોરોનાને લીધે નિયંત્રણો મુકાય તે પહેલા જ વેપારીઓ અને પરપ્રાંતના શ્રમિકો બન્યા ચિંતિત
અમદાવાદઃ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ, પતંગોત્સવ, સહિતના કાર્યક્રમો રદ કરી દીધા છે. બીજીબાજુ આજે મુખ્યમંત્રીએ હાઈલેવલ બેઠક બોલાવીને સ્થિતિની સમિક્ષા કરી હતી. અને કોરોનાને કાબુમાં લેવા સરકાર એક્શનપ્લાન ઘડીને કેટલાક નિયંત્રણો લાદે તેવી શક્યતા છે. નિર્ણય ટૂક આ સમયમાં અંગેનો લેવાશે. પણ લોકોમાં હાલ ચર્ચા ચાલી રહી છે કે, સરકાર નિયંત્રણો કેવા પ્રકારના લાદશે. જોકે લોકડાઉનની શક્યતા નથી. પરંતુ પરપ્રાંતના શ્રમિકોમાં હાલ ચિંતા વ્યાપેલી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને લઈને પ્રતિબંધાત્મક જાહેરનામા સતત 2020થી ચાલુ છે. હવે એક એક સપ્તાહના જાહેરનામા ચાલુ થયા છે. અને તે રાજ્ય સરકારની સુચના બાદ બધે જ એક સરખા હુકમો આવે છે. હાલ જે અમલમાં છે તે જાહેરનામું આજે પૂરૂ થાય છે. જેને લઈને શુક્રવારે મુખ્યમંત્રીએ આજે બધા જ અધિકારીઓ, સચિવો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. સરકાર દ્વારા હવે નવી ગાઈડલાઈન બહાર પાડશે.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારે કેસ વધવાની સાથે પ્રતિબંધોની તૈયારી કરી છે પણ કોઇપણ આર્થિક પ્રવૃત્તિઓ અટકાવાશે નહીં. જિમ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ચા-પાનના ગલ્લા, બજારો બધું જ ખુલ્લું રહેવાનું છે પણ એવા સ્થળો કે જ્યાં ટોળાં એકઠા થતા હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. એટલે ચા-પાનના ગલ્લા હશે ત્યાં ફરીથી કતાર અને સોશિયલ ડિસ્ટન્સિંગની અમલવારી થશે. જ્યાં સુધી નાઈટ કર્ફ્યૂ વિશે ચર્ચા થઈ રહી છે તે મુજબ તેનો સમય એકાદ કલાક વહેલો થઈ શકે છે. તેમજ જ્યાં સુધી વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો ન થાય ત્યાં સુધી શાળાઓ ચાલુ જ રહેશે તે બંધ કરાશે નહીં. આ ઉપરાંત હવે બસમાં મુસાફરીને લઈને પણ નવી ગાઈડલાઈન આવી શકે છે અને આંતરરાજ્યમાં પ્રવાસ માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત કરાશે સાથે ટેસ્ટિંગ પણ ફરજિયાત બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. આ નવું જાહેરનામું સપ્તાહ કરતા વધુ સમયનું હોઇ શકે છે.
સૂત્રોના કહેવા મુજબ મકરસંક્રાંતિ પછી ફરી લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે. જે પરિવારમાં જાન્યુઆરી માસમાં જ લગ્ન છે તેઓ હાલ મૂંઝવણમાં છે કે લગ્ન થઈ શકશે કે નહીં. પણ, લગ્ન માટે કોઇ જ પ્રતિબંધ આવશે નહિ પણ કેટલા મહેમાનોને બોલાવવા તે માટે શુક્રવારનું જાહેરનામું મહત્ત્વનું બની શકે છે. હાલ જે સંખ્યા છે તે યથાવત રાખવા પ્રયત્નો ચાલી રહ્યા છે પણ એક મહિના પહેલાના મુહૂર્તોમાં લગ્નગાળામાં જમા થયેલી ભીડ જોયા બાદ તંત્ર તેમાં ઘટાડો કરી શકે છે.