ડીસામાં રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ, ઓવરબ્રિજ બનાવવાની માગ
ડીસાઃ ડીસામાં ટ્રાફિક જામનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. જેમાં ડીસા-પાટણ હાઈવે પરના જુનાડીસા રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા કાયમી બની ગઈ છે. આ ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ફાટક બંધ થાય ત્યારે વાહનો સામસામે ભીડાઈ જતા હોવાથી ફાટક ખુલે ત્યારબાદ પણ કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતી હોય છે. જેથી આ ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જુનાડીસા અને ભોપાનગર વચ્ચે આવતી રેલવે ફાટક ટ્રાફિક સમસ્યા કાયમી માથાનો દુ:ખાવો બની ગઈ છે. પાલનપુર-ગાંધીધામ રેલવે લાઈન પસાર થતી હોવાથી આ રેલવે લાઈન પેસેન્જર ટ્રેન અને માલવાહક ગાડીઓથી દિવસભર વ્યસ્ત હોવાના કારણે વારંવાર ફાટક બંધ થાય છે. જ્યારે ફાટક બંધ થાય છે ત્યારે બંને તરફ વાહનો લાંબી લાઈનો લાગી જાય છે. કેટલાક વાહનચાલકો રોંગ સાઈડમાં વાહનો ઘૂંસાડી દે છે.જેથી રોંગ સાઈડમાં આવેલા વાહનોના કારણે ફાટક ખુલે ત્યારે પણ વાહન નીકળવાની જગ્યા રહેતી નથી. જેના કારણે ફાટક ખુલ્યા બાદ પણ કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે. અનેક વખત દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે. ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડીસામાં ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસના વધુ જવાનોને મુકવા જરૂરી છે. તેમજ ટ્રાફિકનો નિયમ ભંગ કરનારા વાહનચાલકો સામે પણ કડક પગલાં લેવા જોઈએ. ખાસ કરીને ઘણા વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સ ન હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે.