કેન્દ્રિય મંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં કાર્યકર્તા સાથે પતંગો ચગાવી ઉત્તરાણ મનાવી
અમદાવાદઃ દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને ઉત્તરાયણની મોજ માણી હતી. કેન્દ્રિય મંત્રી અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટના ધાબા પર ધારાસભ્યો અને નેતઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહને પતંગ ચગાવતા જોવા માટે સ્થાનિક લોકો ધાબાઓ એકઠા થયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તાર વેજલપુરમાં ઉત્તરાણ મનાવી હતી. અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી હતી. અમિત શાહને જોવા માટે વેજલપુરની અગાશીઓમાં ટોળા જામ્યા હતા.
આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓએ અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં પતંગ ચગાવ્યો હતો. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ ઉજવણીમાં જોડાયા. કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજય ગોહિલ ઉજવણીમાં જોડાયા. આમ, અનેક કોંગ્રેસના નેતાઓએ પણ પતંગનો તહેવાર ઉજવ્યો હતો. અને એકબીજાને તલ-સીંગની ચિક્કી ખવડાવી શુભેચ્છા પાઠવી હતી.
અમદાવાદમાં સુરજ ઢળતાની સાથે જ આકાશમાં પતંગની જગ્યા ફટાકડાએ લીધી હતી. લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. ફટાકડાના અવાજથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતુ. તુક્કલ પર પ્રતિબંધ હોવાના કારણે લોકોએ ફટાકડાં ફોડ્યા હતા ઉત્તરાયણ પર્વનું સમાપન ધાબા પર ફટાકડા ફોડી અને મ્યુઝિક સિસ્ટમ સાથે ગરબા રમીને પતંગરસિકો દ્વારા કરવામાં આવ્યું હતું.