Site icon Revoi.in

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશને બે ઓપનીંગ પ્રદર્શન સાથે અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ કર્યો

Social Share

અમદાવાદ : ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો બે અલગ અલગ સ્થળોએ તમામ વય અને વર્ગના કલારસિકોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો. પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના એમ્ફી થિયેટર ખાતે સુપ્રસિદ્ધ નાટ્યકાર અને દિગ્દર્શક સૌમ્ય જોશી દ્વારા ઉદ્ઘાટન નાટ્ય પ્રદર્શન “ઓહ! વુમનિયા” રજુ કરવામાં આવ્યું. જ્યારે આ વર્ષે અભિવ્યક્તિનું બીજુ ઘર બનેલ અટીરા કેમ્પસ ખાતે ખુશી લંગાલિયાએ ક્લાસિકલ કન્ટેમ્પરરી ડાન્સ “સંગીતકારિણી તાના રીરી” ની થીમ સાથે પોતાનું ઉદ્ઘાટન નૃત્ય પ્રદર્શન રજુ કર્યું.

પોતાના નાટકો “વેલકમ ઝિંદગી” અને “૧૦૨ નોટ આઉટ” થી પ્રસિદ્ધ સૌમ્ય જોશીએ પોતાની દિગ્દર્શિત સસ્પેંસ ભરી વાર્તા તેમજ હાસ્ય, વ્યંગ અને સંગીતના નવીન સ્વરૂપના કલાત્મક મિશ્રણથી “ઓહ! વુમનિયા” નું પ્રીમિયર કર્યુ, આ નાટકને એક એવી વાર્તામાં વણવામાં આવ્યું છે જે વ્યવહારિક જીવનમાં એક મહિલાને પુછવામાં આવતા સંસારિક પ્રશ્નોથી ઉભી થયેલ પરિસ્થિતી પર કેન્દ્રિત છે. દર્શકો માટે એક માર્મિક મેસેજ સાથેના આ શાનદાર નાટકમાં જીજ્ઞા વ્યાસે પોતાના પ્રભાવશાળી અભિનયથી, જીજ્ઞા વ્યાસે આ પ્રશ્નોના જવાબો દ્વારા સર્જાયેલી પરિસ્થિતિઓને જીવંત કરી અને પ્રેક્ષકોને સ્પર્શી જાય તેવા સંદેશ સાથે ફરી એકવાર અદભૂત નાટક પ્રદર્શન આપ્યું.

ભારતનાટ્યમમાં એક અભિનેત્રી, કોરિયોગ્રાફર અને કલાકાર તરીકે મજબુત પુષ્ઠભૂમિ ધરાવતી પ્રોફેશનલ કલાકાર ખુશી લંગાલિયા એ ‘સંગીતકારિણી તાના રીરી’ રજુ કર્યું. આ રજુઆત પોતાના ભાવપૂર્ણ અવાજ અને ગુજરાતી સંગીત લોકસાહિત્ય સાથેના આત્મિય સબંધ ધરાવતી ઉત્તર ગુજરાતના વડનગર શહેરમાં ૧૬ મી સદીમાં થઈ ગયેલ શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ બે બહેનો: તાના અને રીરીને શ્રદ્ધાંજલિ હતી. લોકવાયકા મુજબ તાનસેન (સમ્રાટ અકબરના દરબારના નવ રત્નોમાંથી એક)ને દિપક રાગની સંગીત સાધનાના કારણે શરીરમાં દાહ થાય છે. જેને સમાવવા માટે નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠાની આ બે પુત્રીઓ તાના-રીરીએ રાગ મેઘ-મલ્હાર ગાયો હતો. ખુશી લંગાલિયાએ પોતાની રજુઆતમાં મનોરંજનની સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે આ બે બહેનોની પ્રતિબદ્ધતા અને વડનગર માટે તેમના બલિદાન તેમજ બાદશાહ અકબરની દખલગીરી છતાં પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાને સંકલ્પને બખુબી રજુ કર્યો હતો.

આ સાથે જ બંને સ્થળોએ, વિચારપ્રેરક વિઝ્યુઅલ આર્ટ સ્ટોરીઝના પ્રદર્શને મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. અમદાવાદના સિદ્ધાર્થ રાઠોડે પોતાનું સ્થાપન ” સિગ્નેચર ઓફ ધ બર્ડ ” રજૂ કર્યું છે. આ અનોખી કૃતિ ફોટોગ્રાફી પ્રત્યે તેમના પ્રયોગાત્મક દ્રષ્ટિકોણને દર્શાવે છે. હજારો પક્ષીઓની તસ્વિરો અને વિડીયો કેપ્ચર કર્યા બાદ સિદ્ધાર્થે આ તસ્વિરોને એક નવા રૂપમાં રજુ કરી છે. પ્રત્યેક ફ્રેમ રચનાત્મક રીતે બનાવવામાં આવી છે. જેમાં એક ગ્રુપમાં ઉડતા પક્ષીઓ, ખાસ કરીને ચામાચીડિયા અને સ્ટારલિંગના સારને કેપ્ચર કરે છે. સિદ્ધાર્થનું માનવું છે કે પક્ષીઓની ઉડવાની પેટર્ન તેમના હસ્તાક્ષરોને મળતાં વિશિષ્ટ આકાર બનાવે છે. આ એકસાથે ક્લિક કરાયેલા ૨૫-૬૦ ફોટાથી બનેલ આ કલાકૃતિ પક્ષીયોની ફોટોગ્રાફી પર એક નવો દ્રષ્ટિકોણ રજુ કરે છે. સિદ્ધાર્થ રાઠોડ ૧૭ વર્ષનો અનુભવ ધરાવતા એક લાગણીશીલ ફોટોગ્રાફર છે, જે શેરી, મુસાફરી અને ભારતીય સંસ્કૃતિને ફોટોમાં કંડારવામાં નિષ્ણાંત છે.

કોલકાતા મુળના વિઝ્યુઅલ આર્ટિસ્ટ સ્નેહા લાખોટિયાએ ” ધ ડ્રીમકેચર્સ સ્નિઝ ” નામનું પોતાનું સ્થાપન રજૂ કર્યું છે. આ ખુલ્લો પત્ર બોડી બેગ દ્વારા જોવામાં આવેલ નકારાત્મક સ્વપ્નનું વર્ણન કરે છે. જે એક ડ્રીમકેચર તરીકે નાઇટ ડ્યુટી દરમિયાન  દરરોજ ૬૦,૦૦૦ વિચારોને ફિલ્ટર કરવાના બોજ હેઠળ દબાયેલ છે. કામના ભારણ છતાં બોડી બેગ અજાણતા સ્વપ્નની પાછળ રહેલ અર્થને પ્રગટ કરી દે છે. બિલકુલ એક છીંકની જેમ. આ કૃતિ આપણા હાકારાત્મક્તા-ગ્રસ્ત સમાજની ટીકા કરે છે. જે સૂચવે છે કે તે ઊંડા ભાવનાત્મક તાણને ઢાંકી દે છે. સ્વપ્નનો છુપાયેલ અર્થ આ અંતર્ગત મુદ્દાઓને સંચાલિત કરવા માટે આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે, કારણ કે સ્વપ્નમાં છીંક આવવી એ ઘણીવાર સ્પષ્ટતા અને ઉકેલની ઇચ્છાનું પ્રતીક છે. સ્નેહાના પ્રાયોગિક કાર્યો સ્વપ્ન, તર્ક અને વાર્તા કહેવાના ઉંડાણમાં ઉતરે છે, જે સામાજિક સંબંધો અને માનવ માનસની શોધ કરે છે. એક ચંચળ અને સહભાગી અભિગમ સાથે  તે હકીકત અને કલ્પનાને મિક્ષ કરે છે. સાથે જ કેટલીક વખત તેના વિચારોને અભિવ્યક્ત કરવા માટે હાસ્ય અને એબ્સર્ડિટીનો ઉપયોગ કરે છે.

વડોદરાના શિલ્પેક્ષ ખાલોરકરે તેમનું સ્થાપન “અનટેમ્ડ એક્સ્પાન્સન”રજૂ કર્યું છે, જે દર્શકોને તેમની મનની સ્થિતિ દ્વારા પ્રવાસ પર લઈ જાય છે. તેમની કલા વ્યક્તિગત આઘાત અને વિશ્વ પર તેની અસરોની શોધ કરે છે. ચિંતાજનક અને ભયજનક ઘટનાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવાની સાથે તેમનો ઉદેશ્ય ક્ષય અને ડિઝાઇનના આંતરપ્રક્રિયા દ્વારા એક અનન્ય પરિપ્રેક્ષ્ય બનાવવાનો છે. શિલ્પેક્ષનું માનવું છે કે તેની કલા લાગણીઓ અને વિચારોને ઉત્તેજીત કરી શકે છે, સાથે જ માનવ અનુભવની ઊંડી સમજ આપે છે. તેમની કલા તેમના અશાંત અનુભવોને પ્રતિબિંબિત કરે છે, આઘાત અને વ્યક્તિઓ અને આસપાસના વાતાવરણ પર તેની અસરોની શોધ કરે છે. શિલ્પેક્ષનો ઉદ્દેશ્ય સડો અને ડિઝાઇનના આંતરપ્રક્રિયા દ્વારા ચિંતા અને ભય પર એક અનન્ય પરિપ્રેક્ષ્ય બનાવવાનો છે. અભિવ્યક્તિ ઉત્સવમાં દર્શકો વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે.

બીજા દિવસનો કાર્યક્રમ નીચે મુજબ છે.

૨૨ મી નવેમ્બર, ૨૦૨૪ ના પ્રદર્શનનો કાર્યક્રમ,

સાંજે ૫:૦૦ વાગ્યાથી વિઝ્યુઅલ આર્ટ માટે પ્રદર્શન ખુલ્લુ રહેશે

સ્થળ કલાકારો થીમ કલાનો પ્રકાર સમય
એમ્ફીથિયેટર – GU કેમ્પસ ગોપાલ અગ્રવાલ અને આકાશ વણઝારા ટેરિટોરિયલ નૃત્ય – સમકાલીન માર્શલ આર્ટ્સ સાથે સાંજે ૦૭:૧૫ વાગ્યે
ઓડિટોરિયમ – GU કેમ્પસ અનુપા પોટા શરણમ વૃંદના બેઠા ગરબા સંગીત સાંજે ૦૭:૧૫ વાગ્યે
મંચ – GU કેમ્પસ દેવાંશુ શાહ અને દેવાંગ નાયક કમિંગ સૂન નાટક સાંજે ૦૭:૧૫ વાગ્યે
અટીરા ડૉ. આઈશ્વરિયા વોરિયર ત્રિપુથુ નૃત્ય સાંજે ૦૭:૧૫ વાગ્યે
પ્લેટફોર્મ અટીરા તારિણી ત્રિપાઠી અને શાલ્મલી ઝંકાર આલૈકિક કથક રાત્રે ૦૮:૩૦ વાગ્યે
એમ્ફીથિયેટર – GU કેમ્પસ પ્રિયંક ઉપાધ્યાય શૂન્યાવતાર નાટક રાત્રે ૦૯:૩૦ વાગ્યે
ઓડિટોરિયમ – GU કેમ્પસ હિરલ બલસારા ધ અનટોલ્ડ એરિયલ નૃત્ય રાત્રે ૦૯:૩૦ વાગ્યે
મંચ – GU કેમ્પસ મોસમ અને મલકા હોરી કે રસિયા સંગીત રાત્રે ૦૯:૩૦ વાગ્યે
અટીરા ચેતન ડૈયા વેલકમ ભુરાભાઈ નાટક રાત્રે ૦૯:૩૦ વાગ્યે