- રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર
- નદીઓ-તળાવોમાં નવા પાણીની આવક
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ચોમાસામાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના નલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નલિયામાં ગણતરીના કલાકોમાં જ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ધોધમાર વરસી રહ્યો છે. દરમિયાન નલિયામાં મેઘતાંડવ સર્જાયો હોય તેમ ગણતરીના કલાકોમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી નલિયાના સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાયાં હતા. આ ઉપરાંત અનેક તળાવોમાં પણ નવા પાણીની આવક થઈ હતી. આ ઉપરાંત નદીઓ ગાંડીતૂર બની હતી. નલિયાના મફતનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. નલિયામાં ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયાં હતા. જેથી વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી.
રાજ્યમાં આગામી બે દિવસ અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. આગામી બે દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. તો આજે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરશે તેવી શક્યતા છે. તો કચ્છ અને જામનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો આ તરફ પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સાગરખેડૂતોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે.