અમદાવાદઃ ગુજરાતમાં મેઘાડંબર બરોબરનો જામ્યો છે. રવિવારે રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન 124 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જ્યારે દિવસ દરમિયાન 193 તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સ્થિતિ કપરી બની રહી છે. સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ભારે વસાદને કારણે કિમ, વિરહ, વીરા સહિતની નદીઓમાં ભારે પૂર આવ્યા છે, અનેક નદી નાળા તેમજ ડેમ ઓવરફ્લો થયા છે. માંગરોળ તાલુકાના સેઠી ગામથી માંડવી તાલુકાને જોડતા કીમ નદી પરના લો લેવલ બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યાં હતા. ડાંગમાં મેઘરાજા મન મુકીને વરસતાં અંબિકા સહિતની નાની-મોટી નદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદના પગલે જનજીવનને પણ અસર પહોંચી છે. ડાંગમાં કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતાં ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરજિલ્લાની ચારેય નદીઓ ગાંડીતુર બની છે. વરસાદના કારણે નાના જળ ધોધ સક્રિય બન્યા છે. ભારે વરસાદમાં પણ સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં કારણે અનેક વિસ્તારો જળબંબોળ બન્યા છે. રવિવારે ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારનાં ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઈ, સુબીર, આહવા પંથકમાં ધોધમાર વરસાદ, સર્વત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે. પીંપરીથી કાલીબેલ જતાં માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદને પગલે કાલીબેલ-પાંઢરમાળ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા, કુલ 22 માર્ગો બપોરે બાર વાગ્યાની સ્થિતિએ આવાગમન માટે બંધ કરાયા હતા.
ડાંગ જિલ્લા ઉપરાંત નવસારીના વાંસદામાં 4 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થતાં ઠેર ઠેર ભરાયા પાણી ભરાયા હતા.. લાખાવાડી ગામે ઝાડ ધરાશાયી થતાં મકાનને ભારે નુકશાન થયું હતું. સારા વરસાદથી વાંસદાના જૂજ અને કેલિયા ડેમમાં પાણીની આવક વધી રહી છે. બીજી બાજુ વલસાડની ઔરંગા નદીના પાણીમાં JCB સાથે ફસાયેલા યુવકનું NDRFની ટીમે દિલધકડ રેસ્ક્યૂ કર્યુ હતું. ધોધમાર વરસાદના કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા JCB સાથે યુવક ફસાયા હતા. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેવા માંડી છે. જેને લઇ તંત્ર દ્વારા આસપાસના અંદાજે 24થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. અંબિકા નદીમાં પૂર આવતા 22થી વધુ ગામની જીવદોરી સમાન મધર ઈન્ડિયા ડેમ સિઝનમાં પહેલી વાર છલકાયો છે. જ્યારે સુરતના માંડવીનો ગોરધા ડેમ ઑવરફ્લો થયો છે. ઉમરપાડા અને માંડવી તાલુકામાં ભારે વરસાદના આવતા ડેમ ઑવરફ્લો થયા છે.