દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ સુરતના મહુવામાં 11 ઈંચ પાણી વરસ્યું
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગણતરીના કલાકોમાં જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રિ દરમિયાન સુરતના મહુવામાં સૌથી વધારે 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ વાહન વ્યવહારને પણ વ્યાપક અસર થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. બીજી તરફ ભારેથી અતિભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગણતરીના કલાકોમાં જ દક્ષિણ ગુજરાતના મહુવામાં 11 ઈંચ ઉપરાંત, નવસારીમાં 10.5, ડાંગમાં આઠ ઈંચ, સુરતના બારડોલી-વલસાડના કપરાડાં અને નવસારીના જલાલપોરમાં સાત ઈંચ, સોનગઢ, ઉમરગામ, આહવા, વઘઉ, પલસાણામાં છ ઈંચ, વાલોડ, ભાવનગર, ચોર્યાસી, વ્યારામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યના 50 જેટલા 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં વરસાદી માહોલને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એક ફૂટથી લઈને ચાર ફૂટ સુધીના પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારમાંથી 100 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. નગરપાલિકા તંત્ર દ્વારા શહેર નવસારીના અલગ અલગ વિસ્તારોમાં ભરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને પૂર્ણ નદીની જળ સપાટીમાં વધારો થતા હજુ વધુ પાણી ભરાય તેવી શક્યતાઓના પગલે વધુ સતર્કતાથી કામ કરી રહ્યા છે.