સુરત: શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. રોજબરોજ કૂતરા કરડવાના અનેક બનાવો બની રહ્યા છે. શહેરના ભટાર વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા ત્રણ વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કર્યો છે. હુમલામાં બાળકને આંખ અને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. કૂતરાના ત્રાસ સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. થોડા મહિના અગાઉ જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા બે બાળકો પર કૂતરાએ બચકા ભરીને હુમલો કર્યો હતો જેમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારેશહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો રસીકરણ, ખસીકરણના દાવા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કૂતરા કરડવાના બનાવો વધી રહ્યા છે. શહેરમાં કૂતરા કરડવાની વધુ એક ઘટના સુરતના ભટાર વિસ્તારમાં બની છે. ગોકુળ નગરમાં રહેતા પ્રફુલ નિમરેનો 3 વર્ષનો પુત્ર પ્રિન્સ ઘર પાસે રમી રહ્યા હતો. ત્યારે અચાનક કૂતરાએ હુમલો કરતા બાળકને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બાળકો પર કૂતરા કરડવાની આ પહેલી ઘટના નથી શહેરમાં રોજના 40થી વધુ લોકો કૂતરાના હુમલાના શિકાર બની રહ્યા છે. બીજી બાજુ સુરત મ્યુનિ.કોર્પોરેશન રસીકરણ ખસીકરણ કામગીરીના મોટા દવા કરતી હોય છે. ત્યારે દાવા વચ્ચે નાના બાળકો સહિત લોકો કૂતરાના હુમલાનો ભોગ બની રહ્યા છે. આ કૂતરાના આતંકથી શહેરીજનોને ક્યારેય મુક્તિ મળશે તે અંગે શહેરીજનો ચિંતા કરી રહ્યા છે. (file phoro)