પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરમાં થોડા દિવસો પહેલા રખડતા પશુના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યા બાદ વધુ એક યુવાનને રખડતા પશુએ અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. શહેરમાં મોડી રાત્રે બાઇક પર પસાર થતા યુવકને હનુમાન ટેકરી વિસ્તારમાં ગાયે અડફેટે લીધો હતો અને યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવકને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્રણ દિવસ પહેલાં જ હનુમાન ટેકરી વિસ્તારમાં જ ગાયે એક નિવૃત શિક્ષકને ગંભાર ઈજાઓ પહોંચાડતા તેનું મોત નિપજ્યુ હતું.
પાલનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જતો હોવા છતાં નગરપાલિકાના તંત્રને કંઈ જ પડી નથી, લોકો નગરપાલિકામાં રખડતા ઢોર અંગે ફરિયાદ કરે તો અમારી પાસે રખડતા ઢોર પકડવાની કોઈ વ્યવસ્થા નથી. અમે કંઈ કરી શકીશું નહીં. તેવા જવાબો આપવામાં આવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ઢોર અડ્ડો જમાવીને બેઠા જ હોય છે. રખડતા ઢોરને લીધે હવે રાહદારીઓ અને વાહનચાલકો પણ ડરી રહ્યા છે. પરંતુ નગરપાલિકાના સત્તાધિશોને ખંઈ જ પડી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધતો જાય છે. ત્યારે શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ એક ગાયે આતંક મચાવતા એક નિવૃત શિક્ષકને અડફેટે લેતા તેઓનું મોત નિપજ્યું હતું. ગતરાત્રે ફરી એકવાર રખડતા ઢોરોનું ટોળું હનુમાન ટેકરી હાઇવે પર હતું ત્યારે એક યુવક બાઇક લઈને પસાર થતો હતો. દરમિયાન એક ગાયે તેને અડફેટે લેતા માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આમ, હનુમાન ટેકરી વિસ્તારમાં છેલ્લા 5 દિવસમાં ગાયના આંતકથી 1 નિર્દોષના જીવ ગુમાવ્યા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.