Site icon Revoi.in

પાટણમાં રખડતા ઢોરનો ત્રાસ, રોડ પર અડીંગો જમાવીને બેસતા વાહનચાલકોને મુશ્કેલી

Social Share

પાટણઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર જોવા મળી રહ્યો છે. શહેરના ખાલકશા પીર, ભદ્ર વિસ્તાર, સાલવીવાડો અને રાણકીવાવ રોડ તેમજ શીતળામાં ચોકડી જેવા રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગો ઉપર રાત્રે 9:00 વાગ્યા બાદ મોટી સંખ્યામાં રખડતા ઢોર એકત્ર થઈને રસ્તા વચ્ચે જ બેસી જઈને રસ્તો બ્લોક કરી દેતા હોય વાહન ચાલકોને રસ્તો પાર કરવો પણ ભારે મુશ્કેલ પડી રહ્યો છે. મજબૂરી વશ વાહન ચાલકોને વાહનમાંથી ઉતરી રખડતા ઢોરને જીવના જોખમે ખસેડી વાહન પાસ કરવું પડે છે. જેથી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી સમસ્યા હલ માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા લોકો માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહી છે તેમ છતાં નગરપાલિકાની ઢોરડબ્બા શાખા દ્વારા રખડતા ઢોરોને નિયંત્રિત કરવા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. દિન પ્રતિદિન આ સમસ્યા ચરમસીમાએ પહોંચી રહી છે. ત્યારે શહેરમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશ દ્વાર એવા પ્રથમ રેલવે નાળામાં રખડતી ગાયોના ઝુંડને લઈ અહીંથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાત્રે હાઇવે પર અડીંગો જમાવીને બેસી જતી ગાયો અને આખલાઓને કારણે પણ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

પાટણ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. રખડતા ઢોર રસ્તા પર આવી જાય છે. પાટણ શહેરના રેલ્વેનાળામાં રસ્તો રોકીને રખડતા ઢોર અડીંગો જમાવી દેતા અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. શહેરના પ્રથમ રેલવે નાળા સહિત કોલેજના અંડરબ્રિજમાં પણ રખડતા ઢોરો અડીંગો જમાવી દેતા અહીંથી પસાર થતાં હજારો વિદ્યાર્થીઓ કર્મચારીઓ સહિત અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ ઉપરાંત પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તાથી સિદ્ધપુર હાઈવે, કનસડા દરવાજાથી અનાવાડા રોડ,ગાયત્રી મંદિર રોડ સહિત શહેરના અનેક રોડ રસ્તા ઉપર રાત્રે અડિંગો જમાવીને બેસી જતા પશુઓના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.