ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રખડાતા ઢોરની જેમ હવે રખડતા કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. શહેરના આંતરિક માર્ગો પર લગભગ દરેક ચોકમાં કૂતરાનો ત્રાસ વધી ગયો હોવા છતાં મ્યુનિ.કોર્પોરેશન ગાઢ નિદ્રામાં પોઢી રહ્યું છે. છેલ્લા પંદર દિવસમાં જ સેકટર – 7 વિસ્તારમાં રખડતાં કૂતરાએ છ લોકોને બચકા ભરી લીધા હતા. સ્થાનિક નાગરિકોએ અનેકવાર મ્યુનિ.ના સત્તાધિશોને ફરિયાદો કરી છતાં કૂતરાનો ત્રાસ દુર કરવામાં આવતો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા કૂતરાની વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં ગાંધીનગર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી દિન પ્રતિદિન કૂતરાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ચૂક્યો છે. શહેરમાં જાહેર-આંતરિક માર્ગો સિવાય મોટાભાગના દરેક ચોક વિસ્તારમાં 8 થી 10 કૂતરા જોવા મળી રહ્યા છે. એકસાથે મોટી સંખ્યામાં કૂતરાની વસ્તી વધી જવાથી નાગરિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરિસ્થિતિ એવી વિકટ બની છે કે, વસાહતીઓને એક ચોકઠામાંથી બીજા ચોકઠામાં જવું પણ મુશ્કેલ બની ગયું છે. રખડતા કૂતરાં આખી રાત ભસ્યા કરે તેમજ નાગરિકોની પાછળ પડતાં હોવાના કિસ્સા પણ બની રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના સેક્ટર 2-સી તેમજ સેક્ટર – 7 માં પણ આજ સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 15 દિવસમાં આ વિસ્તારમાં છ નાગરિકો રખડતાં કૂતરાનો શિકાર બની ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ પણ અહીં રહેતી વૃદ્ધ મહિલાને કૂતરાઓએ ઘેરી લઈ આખા શરીરે બચકા ભરી લેતાં વસાહતીઓ દોડી આવ્યા હતા. જેનાં કારણે મહિલાનો જીવ તો બચી ગયો હતો. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.