અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ
લખનૌઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તા. 23મી જાન્યુઆરીથી ભક્તો ભવ્ય મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન કરી શકશે. દરમિયાન યુપીના આબકારી મંત્રીએ મોટી જાહેરાત કરી છે. રામનગરી અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હાલની તમામ દુકાનો હટાવીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે. આબકારી મંત્રી નીતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે શ્રી રામ મંદિર વિસ્તારને પહેલા જ દારૂ મુક્ત બનાવી દેવામાં આવ્યો છે. હવે 84 કોસી પરિક્રમા વિસ્તારને દારૂ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારની તમામ દુકાનો દૂર કરવામાં આવશે. આબકારી મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ સમગ્ર અયોધ્યા મેટ્રોપોલિટન વિસ્તાર પર લાગુ નથી. માત્ર 84 કોસી પરિક્રમા વિસ્તારમાં જ લાગુ થશે.
અયોધ્યા શહેરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેના કારણે અયોધ્યામાં રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓનો મેળાવડો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિષેક સમારોહમાં આવી રહ્યા છે. આ પહેલા 30 ડિસેમ્બરે પીએમ મોદી શ્રી રામ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે અયોધ્યા આવશે. પ્રાણ પ્રતિષ્ઠાને ઐતિહાસિક બનાવવા માટે સરકારે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્વને ધ્યાનમાં રાખીને મંદિર નિર્માણની કામગીરી વધારે તેજ કરવામાં આવી છે. હાલ 24 કલાક શ્રમજીવીઓ મંદિર નિર્માણની કામગીરીમાં જોડાયેલા છે. લગભગ ચાર હજારથી વધારે શ્રમજીવીઓ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્યકરી રહ્યાં છે. તેમજ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. અયોધ્યા કે ઉત્તરપ્રદેશ નહીં સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ્રે વિવિધ ધાર્મિક કાર્યકમો પણ યોજાશે.