PMJDY ખાતાઓ હેઠળ કુલ જમા બેલેન્સ રૂ. 2,03,505 કરોડ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) – નાણાકીય સમાવેશ માટેના રાષ્ટ્રીય મિશનના સફળ અમલીકરણના આજે નવ વર્ષ પૂરા થઇ ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15મી ઑગસ્ટ 2014ના રોજ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં તેમમે PMJDYની જાહેરાત કરી હતી. 28 ઑગસ્ટ 2014ના રોજ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ત્યારે, પીએમ મોદી આ પ્રસંગને દુષ્ટ ચક્રમાંથી ગરીબોની મુક્તિની ઉજવણીના તહેવાર તરીકે વર્ણવ્યો હતો.
વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશી પહેલોમાંની એક હોવાને કારણે, હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને આર્થિક રીતે પછાત વર્ગોને નાણાકીય સર્વસમાવેશીતા અને સમર્થન આપવા માટે નાણાં મંત્રાલય દ્વારા તેમના નાણાકીય સમાવેશના નેતૃત્વ હેઠળના હસ્તક્ષેપો દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે. નાણાકીય સમાવેશીતા (FI) સમાન અને સહિયારા વિકાસ તેમજ નબળા વર્ગો, જેમ કે ઓછી આવક ધરાવતા જૂથો અને પાયાની બેંકિંગ સેવાઓનો અભાવ ધરાવતા નબળા વર્ગોને સસ્તા ખર્ચે નાણાકીય સેવાઓની ડિલિવરી પૂરી પાડવાનું પ્રોત્સાહન આપે છે.
નાણાકીય સમાવેશ ગરીબોની બચતને ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં લાવવાનું કામ પણ કરે છે અને ગામડાઓમાં તેમના પરિવારોને નાણાં મોકલવા ઉપરાંત તેમને વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર કાઢવાનો માર્ગ પૂરો પાડે છે.
PMJDYની 9મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, “PMJDYના નેતૃત્વ હેઠળના હસ્તક્ષેપો અને ડિજિટલ પરિવર્તનના 9 વર્ષોએ ભારતમાં નાણાકીય સમાવેશમાં ક્રાંતિ લાવી દીધી છે. એ નોંધવું આનંદદાયક છે કે, જન ધન ખાતા ખોલવાથી 50 કરોડ કરતાં વધારે લોકોને ઔપચારિક બેંકિંગ વ્યવસ્થામાં લાવી શકાયા છે. આ ખાતાઓમાંથી આશરે 55.5% ખાતાધારકો મહિલાઓ છે અને 67% ખાતાઓ ગ્રામીણ/અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં કુળ મળીને ₹2 લાખ કરોડથી વધારે રકમ જમા કરવામાં આવી છે. આ ઉપરાંત, લગભગ 34 કરોડ રૂપે કાર્ડ આ ખાતાઓને કોઇપણ ચાર્જ લીધા વગર ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ કાર્ડ પર ₹2 લાખના અકસ્માત વીમાનું કવચ પણ પૂરું પાડવામાં આવે છે.”
શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, “હિતધારકો, બેંકો, વીમા કંપનીઓ અને સરકારી અધિકારીઓના સહયોગી પ્રયાસોથી, PMJDY એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ઉભરી આવી છે, જે નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ દેશમાં નાણાકીય સમાવેશના પરિદૃશ્યમાં પરિવર્તન લાવી રહી છે.”
કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કિસનરાવ કરાડે પણ આ પ્રસંગે PMJDY અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “PMJDY યોજનાએ સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગોને ઔપચારિક બેંકિંગના પરિઘમાં લાવીને નાણાકીય અસ્પૃશ્યતામાં ઘટાડો કર્યો છે. સમાજના નબળા વર્ગોને બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, ધિરાણની ઉપલબ્ધતાની સુવિધા પૂરી પાડીને, વીમા અને પેન્શન કવરેજ પ્રદાન કરીને તેમજ લોકોમાં નાણાકીય જાગૃતિ ઊભી કરીને, આ યોજનાના પરિણામો ખૂબ જ લાંબા ગાળાના પ્રભાવ પાડી રહ્યા છે અને અર્થતંત્ર પર તેની અનેક ગણી અસરો જોવા મળી રહી છે. આ ઉપરાંત, જન ધન-આધાર-મોબાઇલ (JAM) આર્કિટેક્ચરના કારણે સામાન્ય માણસના ખાતામાં સરકારી લાભો એકીકૃત રીતે ટ્રાન્સફર કરવાનું શક્ય બન્યું છે. PMJDY ખાતાઓ DBT જેવી લોકો-કેન્દ્રિત પહેલનો આધાર બની ગયા છે અને સમાજના તમામ વર્ગો, જેમાં ખાસ કરીને વંચિતોના સમાવેશી વિકાસમાં તેણે યોગદાન આપ્યું છે.”