Site icon Revoi.in

દિવાળીમાં ફટાકડાના વેપારીઓ માટે હવે અઘરા નિયમો

Social Share

રાજકોટઃ શહેરના ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ હવે પોલીસ અને મ્યુનિના સત્તાધિશો છાશ પણ ફુંકીને પીએ છે. એટલે કે મંજુરી આપવામાં ભારે ચીવટ દાખવી રહ્યા છે. અને એસઓપી પણ કડક બનાવનામાં આવી રહી છે. જન્માષ્ટમી લોકમેળાઓમાં અને નવરાત્રિ આયોજનોમાં ઢીલ મુકાઈ નહતી, તેવી જ રીતે હવે ફટાકડા સ્ટોલની મંજૂરી માટે પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ. રજૂ કરવું પડશે. ફટાકડાના વેપારીઓએ પોલીસ વિભાગમાં લાઇસન્સ માટે અરજી કરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તેની યાદી જાહેર કરવામા આવી છે. જેમાં ફટાકડાના વેચાણ સ્થળનું માપ, નકશો, ઈલેક્ટ્રિક યોગ્યતા અંગે વાયરમેનનું પ્રમાણપત્ર, ફાયર વિભાગની NOC, અગ્નિશામક યંત્રોનું લિસ્ટ, ફટાકડાના સ્ટોરમાં કામ કરતા માણસોના વિમા સહિતના અઘરા નિયમો દાખલ કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ફટાકડાવા વેપારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ફટાકડા લાઇસન્સ માટે અરજી કરતા પહેલા વેપારીઓએ તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી રાખવા પડશે. ટીઆરપી અગ્નિકાંડ બાદ હવે તંત્ર કોઈ બેદરકારી રાખવા માગતું નથી. લોકમેળામાં જેમ સ્ટ્રક્ચર રિપોર્ટ વગર રાઈડ્સ શરૂ ન થવા દીધી એમ જ ફટાકડાના લાઇસન્સ માટે પણ ઢીલ નહીં રખાય તેવો પોલીસ વિભાગ તરફથી સંકેત મળી રહ્યો છે. ફટાકડા લાયસન્સ મેળવવા વેપારીઓ તૈયારીઓ કરી રહ્યા છે. જેથી તંત્ર પણ સતર્ક થયું અને આગોતરા આયોજન સાથે ફટાકડા સ્ટોલ માટે વેપારીએ લાયસન્સ-મંજૂરી મેળવવા ક્યાં ક્યાં દસ્તાવેજ રજૂ કરવા પડશે તેની યાદી જાહેર કરી છે. જેમાં ખાસ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટી ફરજિયાત આપવું પડશે..ફટાકડા લાયસન્સ માટે અરજી કરનારા દરેક અરજદારે પોતાની ઉંમરનો પુરાવો, જે સ્થળે સ્ટોલ અથવા ફટાકડા વેચાણ કરવાનું છે તે સ્થળનું માપ અને નકશો, ગુમાસ્તાધારા હેઠળનું આરએમસીનું પ્રમાણપત્ર, ધંધા સ્થળની માલિકી અને તે અંગેના પુરાવાની જગ્યા હોય તો ભાડા કરાર રજૂ કરવું પડશે. આ ઉપરાંત પોતાનુ આધારકાર્ડ અથવા અન્ય કોઈ ઓળખકાર્ડ રજૂ કરવું પડશે. સાથે જ ફટાકડા સ્ટોલ વાળા સ્થળે આગ અકસ્માત સામે સાવચેતી માટે રખાયેલા સાધનોનુ લિસ્ટ પણ આપવું પડશે.

ફાયર એનઓસી ઉપરાંત માર્ગ અને મકાન વિભાગનું ના વાંધા પ્રમાણપત્ર એટલે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ખાસ અરજી સાથે જોડવાનું રહેશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક યોગ્યતા અંગે અધિકૃત વાયરમેનનું વર્ણનપત્ર પણ આપવું પડશે. ફટાકડાના લાયસન્સ પરવાના માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં કોઈ અરજદાર અરજી કરે તો તેને તેના સ્ટોલમાં કેટલા માણસો કામ કરવાના છે અને ત્યાં કામ કરતા માણસોનો વીમો ઉતારેલ છે તે અંગેના પુરાવા રજૂ કરવા પડશે. આ ડોક્યુમેન્ટની યાદીઓમાં આ વખતે ઘણા ફેરફાર થયા છે. જેમાં આગ અકસ્માત સામે સાવચેતી માટે રાખેલા સાધનોનું લિસ્ટ આપવું પડશે. અને ફટાકડાની વિગતો પણ આપવી પડશે. ફાયર વિભાગની સ્પષ્ટ અભિપ્રાય સાથેની એનઓસી જોડવી પડશે.