સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારીથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું: આચાર્ય દેવ્રવતજી
ગાંધીનગરઃ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના ૪૮મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ૧૬મી મે ૧૯૭૫ના દિવસે ભારતમાં ભળેલું સિક્કિમ રાજ્ય દેશનું સૌથી નાનું અને સૌથી પ્રિય રાજ્ય છે. પરિવારમાં નાની વ્યક્તિને વિશેષ મહત્વ મળે એ રીતે સિક્કિમ પણ ભારતમાં વિશેષ મહત્વ ધરાવતો પ્રદેશ છે.
પુષ્કળ પ્રાકૃતિક સંપદા ધરાવતા સિક્કિમે પોતાની શ્રેષ્ઠતા અને આગવી ઓળખથી તમામ ભારતીયોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. સિક્કિમની મહિલાઓએ ‘સેલ્ફ હેલ્પ ગ્રુપ’ થકી પ્રદેશને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સિક્કિમ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય છે. સિક્કિમને વિધિવત રીતે ઑર્ગેનિક પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યો છે. પર્યટન, સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારી અને સુંદરતાથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું છે. સિક્કિમ રાજ્ય હજુ વધુ ઉન્નતિ કરે અને એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવામાં યોગદાન આપતું રહે એવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી. સિક્કિમના કલાકારોએ રણચંડી, તમાંગ સેલો અને ઘંટુ જેવા પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કર્યા હતા.
ગુજરાતના કલાકારો સાથે મળીને સિક્કિમના કલાકારોએ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ થીમ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ અવસરે સિક્કિમ વિષેની એક ફિલ્મ પણ મહાનુભાવોએ માણી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સિક્કિમના કલાકારોના પ્રતિનિધિ શ્રીમતી કલા શુમા અને ગુજરાતના શ્રી કલ્પેશ દલાલનું સન્માન કર્યું હતું. કાર્યક્રમના આરંભે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર શ્રી હર્ષદભાઈ પટેલે સ્વાગત ઉદબોધન કર્યું હતું. રાજ્યપાલશ્રી તમામ કલાકારો સાથે સમુહ તસવીરમાં પણ જોડાયા હતા.
‘સ્વચ્છ ભારત મિશન’ને વ્યવહારમાં મૂકનારું સિક્કિમ સૌપ્રથમ રાજ્ય છે. સિક્કિમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સૌથી પહેલો પ્રતિબંધ મૂક્યો હતો, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાનો અંગત અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, ” હું મારા પરિવાર સાથે સિક્કિમના પ્રવાસે હતો. અમે સિક્કિમની ટેક્સીમાં બેઠા હતા. આગળ જતી એક કારમાંથી કોઈએ નાસ્તો કર્યા પછી ખાલી પડીકું બહાર ફેંક્યું. એ કાર તો આગળ ચાલી ગઈ, પણ અમારી કારના ડ્રાઈવરે તરત કાર ઊભી રાખી. ડ્રાઈવર નીચે ઉતર્યો. પહેલાં તો મને લાગ્યું કે કારમાં કંઈ ખરાબી થઈ છે, પરંતુ અમારી કારના ડ્રાઈવરે ઉતરીને આગળવાળી કારમાંથી બહાર ફેંકાયેલું એ પડીકું ઉપાડ્યું અને પોતાની કારમાં એક કોથળીમાં ભરીને વ્યવસ્થિત મૂક્યું.”