નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલના રોજ તમિલનાડુમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત બાદ સાંજના સેલવાના પ્રવાસે જશે. પીએમ મોદી સિલ્વાસા, દાદરા અને નગર હવેલી ખાતે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે, તેમજ રૂ. 4850 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. પીએમ મોદી સાંજે દમણ ખાતે દેવકા સીફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિલ્વાસામાં NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે અને તેનું લોકાર્પણ કરશે. આ સંસ્થાનો શિલાન્યાસ પણ પીએમએ પોતે જ જાન્યુઆરી, 2019માં કર્યો હતો. આ સંસ્થા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના નાગરિકો માટે આરોગ્ય સંભાળ સેવાઓમાં પરિવર્તન લાવશે. આ અદ્યતન મેડિકલ કોલેજમાં અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુલભતા સાથે સજ્જ 24×7 સેન્ટ્રલ લાઇબ્રેરી, વિશિષ્ટ તબીબી સ્ટાફ, તબીબી લેબોરેટરીઓ, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન લેબોરેટરીઓ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ, રમતગમત સુવિધાઓનો સમાવેશ થાય છે તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો માટે રહેઠાણની સુવિધા પણ સમાવવામાં આવી છે.
પીએમ મોદી સિલ્વાસાના સાયલી મેદાનમાં રૂ. 4850 કરોડથી વધુના મૂલ્યની 96 પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને તૈયાર પરિયોજનાઓ રાષ્ટ્રને લોકાર્પિત કરશે. આ પરિયોજનાઓમાં દાદરા અને નગર હવેલી જિલ્લાના મોરખાલ, ખેરડી, સિંદોની અને મસાટ ખાતેની સરકારી શાળાઓ; દાદરા અને નગર હવેલી જિલ્લામાં વિવિધ રસ્તાઓનું સૌંદર્યકરણ, મજબૂતીકરણ અને પહોળા કરવાની કામગીરી; આંબાવાડી, પરિયારી, દમણવાડા, ખારીવાડ ખાતેની સરકારી શાળાઓ અને દમણ ખાતેની સરકારી એન્જિનિયરિંગ કોલેજ; મોટી દમણ અને નાની દમણ ખાતે માછલી બજાર અને શોપિંગ કોમ્પ્લેક્સ અને નાની દમણમાં પાણી પુરવઠા યોજનાનું વિસ્તરણ વગેરે યોજનાઓનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ દમણમાં દેવકા સીફ્રન્ટનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે. આશરે રૂ. 165 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો 5.45 કિમીનો દરિયા કિનારો દેશમા પોતાની રીતે અલગ દરિયાકાંઠાનો પ્રવાસનો અનુભવ કરાવનારો સીફ્રન્ટ છે. સીફ્રન્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને આ પ્રદેશમાં વધુ પ્રવાસીઓને આકર્ષશે તેવી અપેક્ષા છે. આ સીફ્રન્ટ હરવાફરવા અને મનોરંજન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. સીફ્રન્ટને વિશ્વ કક્ષાના પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. તેમાં સ્માર્ટ લાઇટિંગ, પાર્કિંગની સુવિધા, બગીચા, ફૂડ સ્ટોલ, મનોરંજનના વિસ્તારો અને ભવિષ્યમાં લક્ઝરી ટેન્ટ સિટીની જોગવાઇનો સમાવેશ થાય છે.