ખેરાળુના ચોટિયા શાળાના વિદ્યાર્થીઓની પ્રવાસી બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, બેના મોત
અમદાવાદઃ ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકાના ચોટિયાની શાળાના વિદ્યાર્થીઓ રાજસ્થાનના જોધપુર અને જેસલમેરના શૈક્ષણિક પ્રવાસે ખાસ બસમાં રવાના થયા હતા. દરમિયાન વિદ્યાર્થીઓની બસને પાલી જિલ્લાના સુમેરપુર નજીક એક ભયાનક અકસ્માત નડ્યો હતો. હાઈવે પર ડામર ભરેલા રોડ સાઈડ પર ઊભેલા ટ્રક પાછળ ધડાકા સાથે બસ અથડાતા બસમાં પ્રવાસ કરી રહેલા સ્કુલ સ્ટાફના બે સભ્યોના મોત થયા હતા જ્યારે 11 જેટલા બાળકોને ઈજાઓ થતાં નજીકની શિવગંજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં સુમેરપુર પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ગુજરાતના ખેરાલુની સી એન વિદ્યાલય -ચોટીયા’ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના પાલી જિલ્લામાં ગુરુવારે સવારે સ્કૂલના બાળકો સાથે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સ્કૂલ બસ રોડ પર ઉભેલી ડામર ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં, સ્કૂલ બસમાં મુસાફરી કરી રહેલા બે સ્ટાફ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક ડઝન બાળકો અને સ્ટાફ સભ્યોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્કૂલ બસમાં બાળકોએ બુમાબુમ કરી મૂકી હતી. બાળકોનો અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન સુમેરપુર પોલીસ સ્ટેશનની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સુમેરપુર, શિવગંજ અને સિરોહીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનેલી બસમાં પ્રવાસ કરી રહેલા બાળકો ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુની સી એન વિદ્યાલય -ચોટીયા’ પ્રાથમિક શાળાના છે. પ્રવાસ ગયેલી વિસનગરની બે લકઝરી બસ પૈકી એક બસને અકસ્માત નડ્યો હતો, જેમાં સ્કૂલ સ્ટાફના 2 સભ્યોના મોત થયાં છે, અને સ્કૂલના શિક્ષકો સહીત 12થી વધુ બાળકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારે સવારે શાળાની પ્રવાસી બસ સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલડી જોડ પહોંચી હતી. આ દરમિયાન સ્કૂલ બસ રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા સ્કૂલ સ્ટાફના બે સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે સ્ટાફના અન્ય સભ્યો સાથે એક ડઝન બાળકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલી બસમાં બાળકો સહિત લગભગ 52 લોકો સવાર હતા.ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત બસ અને ટ્રકને રોડની બાજુએ ખસેડી હાઈવે પર વાહનવ્યવહાર ચાલુ કરાવ્યો હતો.