અમદાવાદઃ ગુજરાતના કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સાબરકાંઠાના સુપ્રસિદ્ધ પોલો ફોરેસ્ટને એપ્રિલના અંત દર શનિવાર અને રવિવારે પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે પ્રવાસીઓને શનિવાર અને રવિવારે પોલો ફોરેસ્ટમાં પ્રવેશ મળશે નહીં.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગાર્ડન સહિતના સ્થળો બંધ કરવામાં આવ્યાં છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને એપ્રિલના અંત સુધી પોલો ફોરેસ્ટમાં દર શનિવાર અને રવિવાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જાહેર રજા અને તહેવારના દિવસે પણ પ્રવાસીઓને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે ઈન્ચાર્જ કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.