જુનાગઢઃ રાજ્યમાં સિંહની વસતીમાં વધારો થયો છે. એશિયાટિક લાયનને નિહાળવા માટે અસંખ્ય પ્રવાસીઓ સિંહ અભ્યારણ્યની મુલાકાતે આવતા હોય છે. રાજય સરકાર હવે સિંહ અભ્યારણને વધુ સુરક્ષિત કરવાની સાથે સહેલાણીઓ માટે પણ વધુ સારી સુવિધા તથા સિંહ સહિતના પ્રાણીઓને નિહાળવા માટેની ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે.
રાજયના પ્રવાસન વિભાગ તથા વાઈલ્ડ લાઈફ ઓથોરીટી દ્વારા સંયુક્ત રૂપે સાસણ ગીર અને આંબરડી પાર્કમાં રૂા.50 કરોડના ખર્ચે આ પ્રોજેકટ અમલમાં મુકવા જઈ રહ્યું છે. હાલ અભ્યારણમાં પ્રવાસીઓને ખાસ પ્રકારની જીપમાં સિંહ તથા અન્ય પ્રાણીઓના દર્શન કરાવવામાં આવે છે. તેના બદલે ઉંચા પાંચ ટાવર્સ ગોઠવાશે. માચડા જેવી આ વ્યવસ્થા હશે. ઉપરાંત અહી એક નેચરલ પાર્ક પણ તૈયાર થશે અને કોકોડાઈલ એટલે કે મગરનું એક બ્રીડીંગ સેન્ટર પણ તૈયાર કરાશે. ઉપરાંત ગીરના અભ્યારણના આંતરિક માર્ગ વધુ સારા કરાશે અને હાલ જે સિંહ સદન છે તેને પણ રીનોવેટ કરીને વધુ સુવિધાસભર તૈયાર કરવામાં આવશે. દેવળીયા પાર્ક જે સિંહ દર્શન માટે જાણીતું છે ત્યાં ખાસ સનસેટ પોઈન્ટ પણ ઉમેરાશે. અહી લોકો ખૂબ જ સારી રીતે કરી શકે તેવા બગીચા વિશાળ મેદાન અને સેલ્ફી પોઈન્ટ પણ ઊભા થશે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સફારી એરીયામાં 30 મીટર ઉંચા વોચ ટાવર ઉભા કરાશે જેથી લોકો દૂર દૂર સુધી જંગલને નિહાળી શકશે. ઉપરાંત પાર્કમાં વધુ સારી રેસ્ટોરા સહિતની સુવિધા પણ હશે. આંબરડી પાર્કમાં રોડ ઉપરાંત બ્રીજ અને લેન્ડસ્કેપીંગ હશે જેથી સફર વધુ રોમાંચક બનશે. ઉપરાંત ફુડ કોર્ટ અને સેલ્ફી પાર્ક હશે. આ માટે રૂા.25.67 કરોડનો ખર્ચ મંજુર થયો છે. ઉપરાંત અહી એક આધુનિક એનીમલ હોસ્પિટલ તથા રીસર્ચ ડાયોગ્નાસીસ સેન્ટર પણ ઊભુ કરાશે. સરકારે આ સિંહની પ્રજાપ્તી જળવાઈ રહે તેવી જીનપુલ તૈયાર કર્યા છે.