ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કોરોના ટેસ્ટ નેગેટિવ હશે તો જ અપાશે પ્રવેશ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા તંત્ર વધારે સતર્ક બન્યું છે. તેમજ પડોશી રાજ્યોની સાથેની સરહદો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ બહારથી આવતા લોકોનું સ્ક્રિનીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ બહારથી આવનાર પ્રવાસીને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન તેજ બનાવવા તાકીદ કરી હતી. ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથેની સરહદો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અહીં બહારથી આવતા લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ તેમની પાસે 48 કલાકના સમયગાળામાં કોરોના રિપોર્ટ નેગેટીવ હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. આ માટે ચેકપોસ્ટ ઉપર કોરોના ટેસ્ટીંગના બુથ પણ શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રેલવે તથા અન્ય રાજયોમાંથી આવતી બસોમાં પણ કોરોના ચેકીંગ હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિતના શહેરોમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.