સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં પ્રવાસીઓને પીવાના પાણીની પડતી મુશ્કેલી, પરબ છે, પણ પાણી નથી
સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ઘણા બધા એસ ટી બલ સ્ટેશનો એરપોર્ટ જેવા બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક એવા સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં તો પ્રવાસીઓને માટે પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. આ એસટી ડેપો પરથી શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની કોઈ સુવિધા નથી. બસસ્ટેન્ડમાં પાણીની પરબ તો બનાવવામાં આવી છે. પણ એ શાભાના ગાઠિયા સમાન છે.
સુરેન્દ્રનગર શહેરમાં એસટી ડેપો આવેલો છે. આ બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓને લઇને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દરરોજ અંદાજે 3000થી વધુ મુસાફરો આવી રહ્યા છે. ત્યારે આ બસ સ્ટેશનમાં એક સિન્ટેક્સની પાણીની ટાંકી મૂકીને પાણીનું પરબ મુસાફરો માટે શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ઉનાળાની સિઝનથી આ પરબમાંથી પાણી ન મળતું હોવાની રાવ ઉઠી હતી. મુસાફરોના કહેવા મુજબ, આ બસ સ્ટેશનની પરબ પર પાણી પીવા માટે આવીએ ત્યારે કોઇ જ વ્યવસ્થા નથી. પાણીના નળ પણ બંધ છે. પાણીની ટાંકીમાં પાણી નથી અને પરબમાં જ્યાં પાણી ભરવાની જગ્યા છે, ત્યાં પાણીના પાઉચ સહિતના કચરા સાથેની ગંદકીથી દૂષિત બની છે. પાણી ન હોવાના કારણે બાળકો, વૃદ્ધોને પૈસા ખર્ચીને પાણી પીવડાવવાનો વારો આવે છે. બસ સ્ટેન્ડ પર મુસાફરોને તરસ લાગવાથી પાણીની અતિ જરૂરિયાત રહે છે. આથી એસટીના જવાબદાર તંત્ર દ્વારા આ પરબની ભાળ લઇને લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઊઠી છે. એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મીઓ સહિતના સ્ટાફ માટે પણ રૂ. 300થી 400 ખર્ચીને પાણીના ટાંકા મંગાવીને પાણી પૂરું પાડવામાં આવે છે.