Site icon Revoi.in

ધારી સફારી પાર્કમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ

Social Share

અમદાવાદઃ દિવાળીના વેકેશનમાં લોકો પ્રવાસન સ્થળો ઉપર ફરવા જાય છે. હાલ દિવાળીના વેકેશનમાં અમદાવાદ સહિત રાજ્યની પ્રજા નજીકના પ્રવાસન સ્થળો ઉપર ફરવા ગયા છે. મોટી સંખ્યામાં લોકો સાસણગીર અને ધારી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા જઈ રહ્યાં છે. બંને સ્થળો ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ઉમટી પડ્યાં છે. બીજી તરફ પ્રવાસીઓને કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

હાલમાં દિવાળી વેકેશનનો માહોલ છે, અમરેલી જિલ્લાના ધારી સફારી પાર્ક ખાતે પર્યટકોની ભીડ ઉમટી છે. ધારી સફારી પાર્કમાં હાલ સિંહ જોવાની ઘેલછાથી રાજ્યભરમાંથી સહેલાણીઓ ઉમટ્યા છે. સિંહ દર્શન સાથે વન્યપ્રાણીઓ જોવાનો ઘસારો જોવા મળી રહ્યો છે. ધારી ગીર ખાતે સફારી પાર્કમાં પર્યટકોને આકર્ષવા માટે વનવિભાગ દ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે. સહેલાણીઓને આરામથી એશિયાટીક સિંહોને નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજ્ય બહારના પર્યટકો સિંહદર્શન કરી ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.