Site icon Revoi.in

હાળી-ધૂળેટીની રજાઓમાં કચ્છના યાત્રાધામો-પર્યટન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા

Social Share

ભૂજઃ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, છેલ્લા દાયકાથી કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં જાહેર રજાઓમાં તો પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. હોળી અને ધૂળેટીના રજાઓમાં  પ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળો માનવ મહેરામણથી ગાજી ઉઠ્યા હતા. વાગડના રવેચી માતાજી મંદિરથી લઈ લખપતના માતાના મઢ અને નારાયણ સરોવર-કોટેશ્વર મંદિર ખાતે ભાવિકોની વ્યાપક ભીડ ઉમટી પડી હતી. માંડવી દરિયા કિનારે પણ હજારો સહેલાણીઓએ રજાની મોજ માણી હતી. હાજીપીર દરગાહ ખાતે પણ યાત્રિકોએ મોટી સંખ્યમાં ઉમટી સલામ ભરી હતી. ભુજ ખાતેના નૂતન સ્વામિનારાયણ મંદિરે સ્થાનિક સાથે દેશ વિદેશના હરિભક્તો અને પ્રવસીઓએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કરી મંદિર સંકુલમાં ફોટો પડાવતા જોવા મળ્યા હતા.

લખપત તાલુકાના માતાના મઢમાં શુક્રવારે 40 હજાર જેટલા માઇભક્તો દર્શને આવ્યા હતા.અહીં જાગીર ટ્રસ્ટ અને સમિતિ દ્વારા ભાવિકો માટે પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. જ્યારે પ્રસિદ્ધ નારાયણ સરોવર મંદિર ખાતે પણ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. દરિયા કાંઠેના કોટેશ્વર મહાદેવ મંદિરે પણ ભાવિકોએ ભોળાનાથના આશિષ મેળવ્યા હતા. જિલ્લા મથક ભુજ શહેર ખાતે આવેલા નૂતન સ્વામિનારાયણ મંદિરે પણ સ્થાનિક સાથે દેશ વિદેશના હરિભક્તો અને પ્રવાસીઓએ હોળી પ્રસંગે આયોજિત રંગોત્સવમાં ભાગ લઈ ભાવવિભોર બન્યા હતા. ધુળેટીના દિવસે સવારે 11 વાગ્યે મુખ્ય મંદિરથી પ્રસાદીના મંદિરે નીકળેલી ઠાકોરજીની શોભાયાત્રામાં સંતો અને સેંકડો સત્સંગી ભાઈ બહેનો જોડાયા હતા. સાંજ સુધીમાં 7 હજાર જેટલા લોકોએ મંદિરના દર્શન કર્યા હોવાનું દેવ પ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું.

વાગડના ભચાઉ તાલુકાના રણ કાંઠે આવેલા એકલ માતાજી મંદિરે અને રાપર તાલુકાના રવેચી મંદિરે દિવસ દરમિયાન ભાવિકોની ભારે ભીડ જોવા મળી હોવાનું દિપુભા જાડેજાએ જણાવ્યું હતું. માંડવી ખાતેના રમણીય દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અહીં આવેલા લોકોએ રંગોત્સવની મજા માણી હતી અને વિવિધ રાઈડ્સની મજા લીધી હતી. પાસેના ગોધરા સ્થિત યતરધામ અને પર્યટન સ્થળ અબેધામ ખાતે પણ પ્રવાસીઓએ મોટી સંખ્યામાં હાજરી નોંધાવી હતી.