અમરેલીના ધારીના ખોડિયાર ધોધના અદભૂત નજારોને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં
અમરેલીઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદને લીધે નદી-નાળા છલકાયાં છે. જેમાં ધારી તાલુકામાં તો લીલીછમ વનરાજી ખાલી ઊઠી છે. ધારી ગીર નજીક ગળધરા ખોડિયાર માતાજી મંદિર આવેલું છે. જ્યા બાજુમાં પાણીનો ધોધ વહી રહ્યો છે. જેને જોવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આ ખોડિયાર માતાજીનું મંદિર વર્ષો જૂનું હોવાના કારણે સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લામાંથી લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે. સાતમ-આઠમના તહેવારને લઈ ચાર દિવસ સુધી અહીં ભારે ભીડ જોવા મળી હતી.
અમરેલી જિલ્લામાં ધારી તાલુકો ગીરના જંગલ નજીક હોવાથી આ વિસ્તાર ચોમાસા દરમિયાન લીલોછમ બની ગયો છે. સાતમ-આઠમના તહેવારોની રજાની મજા માણવા લોકો ધારી વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. જેમાં ખોડિયારના ગળધરા ધોધને નિહાળવા અનેક પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.આ વિસ્તારમાં સફારી, આંબરડી પાર્ક અને આ પાણીનો ધોધ હોવાને કારણે પ્રવાસીઓ વધુ આવી રહ્યા છે. આ ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ધારી ખોડિયાર ડેમ સૌથી મોટો છે જે ડેમ ઓવરફ્લો થયા બાદ 1 દરવાજો ખોલવામાં આવ્યો હતો. જેના કારણે અહીં પાણીનો ધોધ વધી રહ્યો છે. પ્રવાસીઓ આ ધોધની મજા માણી રહ્યા છે. પ્રવાસીઓ અહીં તુલસી શ્યામ અને ત્યારબાદ ધારી નજીક સફારી આંબરડી પાર્ક, ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર અને આ ધોધની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડે છે. પ્રવાસીઓ જન્માષ્ટમીના તહેવારોમાં યાત્રાધામ તુલશીશ્યામ જતા રસ્તામાં ધારીના ઘોઘનો નજારો જોવા માટે આવ્યા હતા.