અમદાવાદઃ ગુજરાતીઓ ફરવાના ખૂબજ શોખિન હોય છે. ગમે તે હીલ સ્ટેશન કે પર્યટન સ્થળોએ જઈએ ત્યારે ગુજરાતીઓ તો મળશે જ. હાલ તહેવારોની રજાઓમાં દિવ, આબુ, સાપુતારા, જયપુર, ગોવા વગેરે સ્થળોની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે.30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટ્રમીનો તહેવાર હોવાને કારણે લોકોને શનિ, રવિ અને સોમની ત્રણ સળગં રજા મળી ગઈ છે. આ રજાઓનો ફાયદો ઉઠાવવા માટે લોકો મોટા પ્રમાણમાં ફરવા ઉપડી રહ્યા છે. ગત સપ્તાહ સુધી બુકિંગ ઘણાં ઓછા થયા હતા, પરંતુ હવે છેલ્લી ઘડીએ લોકોએ ઈન્કવાયરી કરવાની શરૂઆત કરી હતી અને દીવ,દમણ, સેલવાસ, માઉન્ટ આબુ, ઉદેપુર અને કુંભલગઢ. ગોવા, જયપુર, જોધપુર અને જેસલમેરમાં હોટલો હાઉસફુલ બની ગઈ છે.
લોકોએ અંતિમ સમયે બુકિંગ કરવાની શરૂઆત કરતા જયપુર, જોધપુર અને ગોવાની ફ્લાઈટના ભાડામાં પણ વધારો જોવા મળ્યો હતો. ટૂર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટસ અસોસિએશન ઓફ ગુજરાતના સુત્રોએ જણાવ્યું કે, ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના બુકિંગમાં થયેલા વધારાને કારણે આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ રાહત થશે અને લાગી રહ્યું છે કે લોકોમાં હવે બહાર નીકળવાનો ભય ઓછો થયો છે. લોકોને લાંબા સમય પછી લાંબી રજાઓ મળી છે માટે ત્રણ રાત અને ચાર દિવસના પેકેજની માંગ ઘણી વધી છે. લોકો સારા રિસોર્ટમાં રહીને પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરવાનું પસદં કરે છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટ્રમીના દિવસે જુગાર રમવાની પ્રથા વર્ષેાથી ચાલતી આવે છે. અત્યારે હોંગ કોંગ, મકાઉ અને લાસ વેગસ જેવા આંતરરાષ્ટ્ર્રીય સ્થળો પર કોરનાને કારણે પ્રતિબંધો છે ત્યારે કાર્ડ રમવાની ઈચ્છા ધરાવતા લોકો ગોવા તરફ જઈ રહ્યા છે. 10મી ઓગસ્ટથી ગોવા પર્યટકો માટે ખોલવામાં આવ્યું છે. ગોવામાં પ્રવેશ કરતી વખતે ઓછામાં ઓછા 14 દિવસ પહેલા રસીના બન્ને ડોઝ લઈ લીધા હોય તેનું પ્રમાણપત્ર અથવા તો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. કોરોનાના આ પ્રતિબંધો હોવા છતાં મોટી સંખ્યામાં પર્યટકોએ ગોવા જવાની યોજના બનાવી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, દીવ, દમણ, સાસણ ગીર, સાપુતારા, પોલો ફોરેસ્ટ, ઉદયપુર, જયપુર, કુંભલગઢ, જોધપુર, જૈસલમેર વગેરે સ્થળોની હોટલો લગભગ હાઉસફુલ છે. સુત્રોએ એમ પણ જણાવ્યું કે, ૨૩ ઓગસ્ટ પછી પ્રખ્યાત સ્થળોની હોટલો લગભગ ફુલ થઈ ગઈ છે. જેથી કહી શકાય કે લોકોએ અંતિમ સમયે ફરવા જવાના પ્લાન બનાવ્યા છે. (ફાઈલ ફોટો)