રાજપીપળાઃ એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે દિવાળીના પર્વને લઇ એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓ આવી રહ્યાં છે. જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. નુતન વર્ષના પ્રથમ દિવસે મંગળવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ રંગબેરંગી વાતાવરણ ઊભુ કરાયું છે, દિવાળીની રજાઓના પ્રથમ પાંચ દિવસમાં 1.50 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. અને આવનારા દિવસોમાં હજુ પ્રવાસીઓનો ધસારો રહેશે, આખા વેકેશન દરમિયાન 5 લાખથી વધુ પ્રવાસીઓ આવે એવો અંદાજ હોવાથી વધારાની બસો મુકવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા આસપાસ આવેલાં 32 જેટલા પ્રોજેકટ લોકોમાં આર્કષણનું કેન્દ્ર બન્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયાના કહેવા મુજબ દિવાળીના વેકેશનમાં દેશ વિદેશથી મોટી સંખ્યમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે બહોળા પ્રમાણમાં એડવાન્સ બુકિંગની સાથે પ્રવાસીઓ ટિકિટ બારી પરથી પણ ટીકીટ લઇ મુલાકાત કરી રહ્યા છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખી એકતાનગરને રોશનીથી શણગારાયું છે.
દિવાળી વેકેશનમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટવાની પૂરેપૂરી સંભાવનાને ધ્યાને લઈ તેમજ અત્યાર સુધી થયેલા એડવાન્સ બુકિંગ જોતા હાલ કાર્યરત 22 મોટી બસ , 30 ઈ બસ અન્ય 10 બસ તેમજ 11 મિનિબસ સહિત કુલ 73 બસ ઉપલબ્ધ છે . આ ઉપરાંત એસટીની 25 વધારાની બસો મંગાવી કુલ 98 બસની સુવિધા કરવામાં આવી છે. આ અંગે ઓથોરિટીના નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પર સૂક્ષ્મ દેખરેખ રાખી રહ્યા છે અને યોગ્ય વ્યવસ્થાપન કરી રહ્યા છે.