1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તરાણની રજાઓમાં કચ્છના પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ઉત્તરાણની રજાઓમાં કચ્છના પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ઉત્તરાણની રજાઓમાં કચ્છના પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

0
Social Share

ભૂજઃ કચ્છનો પર્યટન ક્ષેત્રે છેલ્લા દાયકાથી સારોએવો વિકાસ થયો છે.કચ્છ હવે પ્રવાસનનું  હબ બની ગયું છે. તહેવારો અને  જાહેર રજાઓના દિવસોમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છના પર્યટક અને યાત્રાધામો પર ઉમટી પડતા હોય છે. ઉતરાયણનું પર્વ અને શનિ-રવિવાર રજાના લીધે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.. ખાસ કરીને સફેદ રણમાં ઉતરાયણના દિવસે ભારે ભીડ જોવા મળી હતી. ભિરંડીયારા પાસે  તો વાહનોની લાંબી કતારો લાગી હતી. ઉપરાંત માતાના મઢ, ભૂજીયો ડુંગર, ધોળાવીરા સહિતના સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.

મકરસંક્રાંતિ શનિવારે આવતાં શનિ અને રવિવારની રજાનો લાભ લઇને સરહદી વિસ્તાર કચ્છમાં તીવ્ર ઠંડી છતાં પ્રવાસીઓનો પ્રવાહ ઉમટી પડયો હતો. જિલ્લાના પ્રવાસન સ્થળો ધોરડો, ધોળાવીરા અને સ્મૃતિવન સહિત સહેલાણીઓની ભીડથી ઉભરાતાં એક તબક્કે તો ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું હતું.  જિલ્લા મથકે તો ધર્મશાળાથી માંડીને મોટી મોટી હોટેલો પણ હાઉસફુલ થઇ ગઇ હતી. સ્મૃતિવન (ભુજીયો ડુંગર) ખાતે મુલાકાતીઓની સવારથી જ કતાર લાગી ગઇ હતી. સમગ્ર સંકુલમાં જ્યાં જુઓ ત્યાં પ્રવાસીઓનો પ્રવાહ જ નજરે પડતો હતો. જુદા જુદા પોઇન્ટને પ્રવાસીઓએ માણ્યા હતા. આ ઉપરાંત શહેરના સ્વામિનારાયણ મંદિર અને પ્રાગમહેલ સહિતના સ્થળોએ મુલાકાતીઓની ભીડ જોવા મળી હતી. સફેદ રણ-ધોરડો અને કાળો ડુંગર પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ રહ્યાં હતા. મકરસંક્રાન્તિની વહેલી સવારથી જ રણમાં પ્રવાસીઓનો ધસારો થયો હતો.

ધોરડામાં આ વખતે તો છેલ્લાં 15 વર્ષનો વિક્રમ તૂટયો હોય તેમ ચક્કાજામની સ્થિતિ નિર્માણ પામી હતી. ધોરડોમાં 75થી 90 હજાર જેટલા પ્રવાસીઓનું આગમન થયું હોવાનો અંદાજ છે. પહેલી જ વખત ભીરંડીયારાથી ધોરડોનો માર્ગ ટૂંકો પડયો હતો. ભીરંડીયારા બસ સ્ટેશન પાસે બપોરે એકાએક ટ્રાફિકજામ થઇ જતાં ખાવડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી ગયો હતો અને દોઢ-બે કલાકની મહેનત પછી માર્ગ ખુલ્લો કરાયો હતો. ભીરંડીયારા ચેકપોસ્ટ ઉપર પરવાનગી મેળવવા પ્રવાસીઓની લાંબી કતાર લાગી હતી. અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ગામના બસ સ્ટેશન ઉપર આવેલી માવા તથા અન્ય ખાણી-પીણીની દુકાનોને તડાકો પડી ગયો હતો. એક તબક્કે ટ્રાફિકજામને લઇને મંજૂરી પ્રક્રિયા બંધ કરી દેવાઇ હતી. રાત્રે 10 વાગ્યે પણ ફરી ટ્રાફિક અવરોધાતાં પ્રવાસીઓ અકળાઇ ઉઠયા હતા. આ ઉપરાંત ભુજથી કાળા ડુંગરનો માર્ગ વાહનોથી ઉભરાયો હતો. એક તરફ રણમાંથી મીઠું ઉપાડીને નીકળતાં ભારેખમ વાહનો તો બીજી તરફ કાળા ડુંગર તરફ જતા પર્યટકોના વાહનોની વણઝાર દેખાતી હતી. કચ્છના ધોળાવીરા, માંડવી સહિતના પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓ  ઉમટી પડયાં હતાં. જિલ્લા મથક ભુજની હોટેલ-ગેસ્ટ હાઉસોમાં ભીડ ઉમટતાં તેમને પણ તડાકો પડયો હતો. પ્રસિધ્ધ આસ્થાધામ માતાના મઢ ખાતે પણ ઉત્તરાયણે ભાવિકોનું ઘોડાપુર ઉમટયું હતું. 30 હજારથી વધારે શ્રધ્ધાળુઓએ દેશદેવીના ચરણમાં શીશ ઝુંકાવ્યું હતું. મઢ જાગીરના તમામ ઉતારા હાઉસફુલ થઇ જતાં અનેક યાત્રિકોને રૂમ મળ્યા નહોતા. પરિણામે તેમને પોતાના વાહનોમાં જ તીવ્ર ઠંડી વચ્ચે રાતવાસો કરવાની ફરજ પડી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code