Site icon Revoi.in

રાજકોટથી દિલ્હીની ફ્લાઈટને એકાએક કેન્સલ કરી દેવાતા પ્રવાસીઓ રઝળી પડ્યાં

Social Share

રાજકોટઃ રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ એકાએક રદ કરી દેવાતા એરપોર્ટ પર પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. અનેક પ્રવાસીઓ એવા હતા કે જેમને દિલ્હીથી વિદેશની કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાની હતી. આ અંગે એર લાઇન્સ દ્વારા માત્ર એટલી જ માહિતી આપવામાં આવી હતી કે, રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. ઓપરેશનલ મુશ્કેલીનું કારણ આગળ ધરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં પ્રવાસીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરાતા પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ રાત્રે 7: 25 વાગ્યે રાજકોટ આવતી ફ્લાઈટ 08:05 વાગ્યે દિલ્હી જવા રવાના થાય છે. પરંતુ આ ફ્લાઈટ 7: 25 વાગ્યે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ન પહોંચતા મુસાફરો ચિંતામાં મુકાઈ ગયા હતા. દરમિયાન અડધો કલાક સુધી મુસાફરોએ ફ્લાઇટની રાહ જોઈ હતી. આ ફ્લાઈટમાં વિદ્યાર્થીઓ દિલ્હીથી કનેક્ટિંગ ફ્લાઈટમાં કોલંબો સહિતનાં દેશમાં જવા માગતા હતા. જોકે, એરલાઇન્સ દ્વારા અચાનક જાહેર કરવામાં આવ્યું હતું કે, રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. જેથી મુસાફરોએ એરલાઇન્સ સામે ભારે રોષ ઠાલવ્યો હતો.

સૂત્રોના કહેવા મુજબ એર ઇન્ડિયા દ્વારા ઓપરેશનલ મુશ્કેલીને કારણે  રાજકોટથી દિલ્હીની રાતની છેલ્લી ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી હતી. જેને લીધે અમુક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.આ અંગે એર લાઇન્સના સ્ટાફ દ્વારા માત્ર એટલી જ માહિતી આપવામાં આવી હતી કે, રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. મુસાફરો કઈ રીતે દિલ્હી જશે, તે માટેની કોઈ જ વ્યવસ્થા તાત્કાલિક એરલાઇન્સ દ્વારા કરવામાં આવી ન હતી. એર ઇન્ડિયા દ્વારા મંગળવારે દિલ્હી જતા મુસાફરો માટે વ્યવસ્થા થાય તેનાથી વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થવાનો ન હતો. કારણ કે, કનેક્ટિંગ ફ્લાઈટમાં કોલંબો સહિતનાં દેશમાં જતા વિદ્યાર્થીઓની ફ્લાઇટ તો રાત્રે જ છૂટી જવાની હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, ગાઢ ધુમ્મસના લીધે રાજકોટ- પુના ફલાઈટ રવિવારે કેન્સલ થતા 110થી વધુ પ્રવાસીઓ પરેશાન થયા હતા. સોમવારે ઈન્ડિગોની બપોરની 13.15 કલાકની IGO 5431/6208 રાજકોટ- મુંબઈ ફલાઈટ કેન્સલ થતા પ્રવાસીઓને સાંજની ફલાઈટમાં મુંબઈ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાઢ ઘુમ્મસના કારણે હવાઈ સેવાને અસર પડી હતી