Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા પ્રવાસીઓને મળશે વધારે સુવિધા, મુંબઈ-વારાણસીથી કેવડિયા સુધી ટ્રેન દોડાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાના સૌથી વિશાળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને વધારે સુવિધા મળી રહે તે માટે મુંબઈ અને વારાણસીથી ટ્રેન કેવડિયા સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવાનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીના લોકો સરળતાથી કેવડિયા આવી શકે તે માટે ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે મુંબઈથી પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. વડોદરાના પ્રતાપનગરથી કેવડિયા સુધીની મેમુ ટ્રેનને પણ રોજ દોડાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આગામી વર્ષથી આ ટ્રેન ચાલુ થવાની શકયતા છે. અમદાવાદથી પણ કેવડિયા સુધી ટ્રનો દોડાવવાનું આયોજન હોવાનું જાણવા મળે છે.

રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ વડોદરાથી કેવડિયા રેલવે લાઈન પાથવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જેથી પ્રવાસીઓ વડોદરાથી સીધા કેવડિયા પહોંચી શકશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી શકશે. વડોદરામાં હાલ જે ટ્રેન આવે છે તેને પણ કેવડિયા સુધી લંબાવવાનું આયોજન છે. વડોદરા સુધી આવતી ટ્રેનો વડોદરા સ્ટેશન ઉપર આવ્યાં બાદ યાર્ડમાં પડી રહે છે એટલે આ ટ્રેનો કેવડિયા સુધી લંબાવવાનું આયોજન છે. આ ઉપરાંત પ્રતાપનગરથી રોજ સવારે અને સાંજે એમ બે મેમુ ટ્રેન દોડાવવામાં આવશે.