ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ભારતીય કિસાન સંઘે પણ ખેડુતોના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગામધીનગરમાં ગુરૂવારે ખેડૂતોએ મંત્રીઓના નિવાસસ્થાન સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતોના પ્રશ્નોને ઉકેલ લાવવા માટે સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે જે સમયાંતરે કિસાન સંઘ સાથે વાટાઘાટો કરીને પ્રશ્ન ઉકેલવા માટે મથામણ કરી રહી છે પરંતુ આજ દિન સુધી કિસાન સંઘના મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તબક્કાવાર આક્રમક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેના પગલે ગુરૂવારે ખેડૂતોએ ગાંધીનગરમાં મંત્રીઓના નિવાસસ્થાન સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે ખેડૂત આગેવાનોએ કહ્યું કે રાજ્ય સરકાર કિસાનોના પ્રશ્ને યોગ્ય નિર્ણય ઝડપથી નહીં કરે તો આ આંદોલન હવે ગામડા સુધી પહોંચશે એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના 80 ટકા ધારાસભ્યો કે જે ખેડૂત પુત્રો છે તેમને પોતાના મતવિસ્તારમાં જવાનું પણ ભારે પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ કેટલાક આગેવાનોએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર આ બાબતે મક્કમતાથી ઝડપી નિર્ણય નહીં કરે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. પાંચ મંત્રીઓની નિમાયેલી કમિટી ઉપર આક્ષેપ કરતા ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે ખરેખર તો સરકારના મંત્રીઓની આ કમિટી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી અમારી વાત પહોંચાડતી નથી.