દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પ્રદુષણ ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતમાં વાહનોમાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. તેમજ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન હવે મોટર વ્હીલક રૂલ્સમાં કરાયેલા સંશોધન હેઠલ હવે ટ્રેક્ટર, હાર્વેસ્ટર જેવા વાહનો પણ સીએનજીથી ચલાવી શકાશે. જેથી ખેડૂતોને પણ આર્થિક ફાયદો થવાનો જાણકારોએ મત વ્યક્ત કર્યો છે.
માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના નવા નિયમ હેઠળ કૃષિ ઉપકરણો તથા વાહનોના એન્જિનમાં બદલાવ કરી શકાશે. જેમાં સુધારની શક્યતા હશે. તેમાં થોડા બદલાવ કરવામાં આવશે. જૂના વાહનોના એન્જિન રિપ્લેસ કરી દેવામાં આવશે. તેનાથી તેમને સીએનજી (CNG), બાયો સીએનજી અથવા એલએનજી ફ્યૂલથી ચલાવી શકાશે. ફ્યૂલની પણ બચત સાથે પ્રદુષણ પણ નહીં ફેલાય.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ થોડા દિવસો અગાઉ જ દેશના પહેલા સીએનજી ટ્રેક્ટરને લોન્ચ કર્યુ હતું. તેમણે દાવો કર્ઓ હતો કે આ ટ્રેક્ટરથી પર્યાવરણને પ્રદૂષિત થવાથી બચાવી શકાશે સાથે જ તેનાથી ખેડૂતોનો ખર્ચ પણ ઓછો થશે. આમ ખેડૂતોને પણ આર્થિક ફાયદો થશે. સરકારના દાવા અનુસાર CNG ટ્રેક્ટરના ઉપયોગથી એક વર્ષમાં દોઢ લાખ સુધીની બચત થઇ શકે છે. તેમજ ડીઝલના મુકાબલે CNG ટ્રેક્ટર કાર્બન ઉત્સર્જન પણ ઓછુ કરે છે. CNG કૃષિ વાહનોના ઉપયોગથી પચાસ ટકા સુધી કાર્બન ઉત્સર્જન ઓછુ થઇ શકે છે. જેથી પર્યાવરણનું જતન કરી શકાશે.