Site icon Revoi.in

ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે દિવસ બાદ ફરીથી વેપાર શરૂ થયો

Social Share

નવી દિલ્હીઃ પાડોશી દેશમાં હિંસાને કારણે બે દિવસથી બંધ રહેલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર  ફરી શરૂ થયો છે. બાંગ્લાદેશ કસ્ટમ્સે ફરી કામગીરી શરૂ કરી અને ઈન્ટરનેટ લિંક્સ પુનઃસ્થાપિત કર્યા પછી પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ, ખોજડાંગા, ફુલબારી અને મહદીપુર જેવા મુખ્ય ભૂમિ બંદરો પર વેપાર ફરી શરૂ થયો.

લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (પેટ્રાપોલ)ના મેનેજર કમલેશ સૈનીએ જણાવ્યું હતું કે બુધવારે સવારથી પેટ્રાપોલ બોર્ડર દ્વારા વેપાર ફરી શરૂ થયો છે, જ્યારે બેનપોલ બાજુએ કાર્ગો ટ્રક સ્વીકારવાનું શરૂ કર્યું હતું. પેટ્રાપોલ, ઉત્તર 24 પરગણા જિલ્લાના બાણગાંવમાં સ્થિત છે, જે દક્ષિણ એશિયાનું સૌથી મોટું ભૂમિ બંદર છે અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપારને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તેમણે કહ્યું કે બેનપોલ બોર્ડર ફરીથી કાર્યરત થઈ રહી છે. પેટ્રાપોલથી આજે કુલ 220 ટ્રક બાંગ્લાદેશમાં પ્રવેશી હતી જ્યારે 27 ટ્રક બાંગ્લાદેશથી આવી હતી. બેનાપોલ સ્ટાફ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સાજેદુર રહેમાને જણાવ્યું હતું કે બાંગ્લાદેશ કસ્ટમ્સ વિભાગે ફરીથી કામ શરૂ કર્યું અને ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કર્યા પછી વ્યવસાય ફરી શરૂ થયો. જો કે ભીડને કારણે પ્રવાહ ધીમો છે, પરંતુ મોટા પ્રમાણમાં બેકલોગ હોવાથી આગામી થોડા દિવસોમાં તે સામાન્ય થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં અનામત મામલે હિંસક દેખાવો થયા હતા. જેના પગલે બાંગ્લાદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કવાયત શરૂ કરાઈ હતી. લગભગ પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓ પરત દેશ ફર્યાં હતા.