ચીનની સાથે વ્યાપાર સંતુલનના નામે ટેરિફ વોર છેડનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી તેમનો મુખ્ય સમર્થક વર્ગ જ નારાજ દેખાઈ રહ્યો છે. ચીનથી આવનારી વસ્તુઓ પર ભારે આયાત શુલ્ક લગાવવાના નિર્ણયની અસર બાઈબલની કિંમતો પર પણ પડી શકે છે. તેના કારણે ચર્ચ ટ્રમ્પથી ખફા હોવાનું જણાવાય રહ્યું છે.
દુનિયાની અડધોઅડધ બાઈબલ ચીનમાં મુદ્રિત થાય છે. અમેરિકા પણ બાઈબલ માટે ઘણી હદે ચીનથી આયાત પર નિર્ભર છે. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારના મોરચે ટકરાવ ગત વર્ષ માર્ચથી શરૂ થયો હતો. તે વખતે ટ્રમ્પે ચીનથી આવનારા સ્ટીલ અને એલ્યૂમિનિયમ પર આયાત શુલ્ક લગાવ્યો હતો.
અત્યાર સુધી ટ્રમ્પ ચીનથી આવનારી 250 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકા આયાત શુલ્ક લગાવી ચુક્યા છે. બદલામાં ચીને પણ આવા જ પગલા ઉઠાવ્યા છે. હવે ટ્રમ્પે પ્રકાશિત થયેલી વસ્તુઓ સહીત ચીનથી આવનારી 300 અબજ ડોલરની વસ્તુઓ પર આયાત શુલ્ક લગાવવાની વાત કહી છે.
જાણકારોનું કહેવું છે કે આનાથી ધાર્મિક સમૂહો, ચર્ચો, સ્કૂલો, મંત્રાલયો અને ઘણી એનજીઓ પર બોજો વધશે. અમેરિકાના સાંસદ જોશ હાર્ડરે કહ્યુ છે કે મને લાગતું નથી કે રાષ્ટ્રપતિએ બાઈબલ પર વધારે કર લગાવવાનો વિચાર કર્યો હશે. પરંતુ ચીન પર લાગનારા આયાત શુલ્કથી તેના પર પણ અસર પડશે.
તેમણે ટ્રમ્પને પત્ર લખીને ચીનથી આવનારા બાઈબલને આયાત શુલ્કની મર્યાદામાંથી બહાર રાખવાની અપીલ કરી છે.