સુરતઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ સત્તા હસ્તગત કર્યા બાદ અરાજકતાભરી સ્થિતિ ઊભી થઈ છે. અનેક દેશોએ રાજદ્વારી સંબંધોનો અંત લાવીને તેમના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. આમ રાજકીય ક્ષેત્રે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સાથેનો વેપાર-વણજ ઠપ થઈ જતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. કહેવાય છે કે, કાપડના નિકાસકારોનું કરોડો રૂપિયાનું પેમેન્ટ અટવાઈ ગયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાનમાં તાલીબાનોને લીધે અરાજક્તાભરી સ્થિતિ સર્જાતા આયાત અને નિકાસ પર મોટી અસર પડી છે. સુરતમાંથી અફઘાનિસ્તાનમાં કાપડની નિકાસ કરનારા વેપારીઓ અને દલાલો ફસાયા છે. કારણ કે, કરોડો રૂપિયાનું પેમેન્ટ અટકી ગયું કે ફસાઈ ગયું હોવાનું કહેવાય છે. કાપડના પ્રોડક્ટના નિકાસકારો અને દલાલોનો દાવો છે કે અશાંતિના કારણે આશરે 400 કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે.
અફઘાનિસ્તાનમાં જે પ્રકારની સ્થિતિ છે તે જોઈને તેમને ખૂબ જલ્દી 400 કરોડ રૂપિયાનું પેમેન્ટ નહીં મળે તેવો ડર છે. સુરતમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં વધારે માગ છે. મહિલાઓ માટેના તૈયાર કપડા ખરીદવા માટે અફઘાનિસ્તાનના વેપારીઓ અવાર-નવાર શહેરની મુલાકાત લેતા હતા. તેઓ અંગત રીતે વસ્તુઓની પસંદ કરતા હતા અને દિલ્હીમાં તેમના ધંધાના સહયોગીઓના માધ્યમથી ચૂકવણી કરતા હતા. એક અંદાજ મુજબ ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાના કપડા દર મહિને પાકિસ્તાન અથવા દુબઈ મારફતે અફઘાનિસ્તાન મોકલવામાં આવતા હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે,કાપડ બજારમાં ક્રેડિટનો સમયગાળો ત્રણ મહિના સુધીનો હોય છે અને પાકિસ્તાન અથવા દુબઈ મારફતે અફઘાનિસ્તાનને પૂરા પાડવામાં આવતા માલમાં, પેમેન્ટ ત્રણથી ચાર મહિનામાં પ્રાપ્ત થાય છે. જો કે, અશાંતિના કારણે ઘણા નિકાસકારોનું આશરે 400 કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે. અશાંતિના કારણે પાકિસ્તાન અથવા દુબઇ દ્વારા નિકાસ પણ પ્રભાવિત થઈ છે.
ક્વોલિટી અને વેરાયટીના કારણે શહેરમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનમાં ભારે માગ છે. આયાતકારો આ પ્રોડક્ટ્સ ઈચ્છે છે પરંતુ અનિયમિત સપ્લાયના કારણે કોઈ પણ વર્તમાન પરિસ્થિતિમાં નિકાસ કરવાનું જોખમ લેવા માગતા નથી. તેમ કાપડના એક ઉત્પાદકે કહ્યુ હતું. સુરત મર્કન્ટાઇલ અસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ અણધારી છે અને અફઘાનિસ્તાન પર શહેરના કાપડના વેપાર પર ખરાબ અસર પડી શકે છે. માત્ર સ્થિતિમાં ઝડપથી સુધારાની આશા રાખી શકીએ છીએ કે જેથી વેપાર મળી શકે,