અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. જે વિસ્તારોમાં વરસાદ બાદ ઉઘાડ નિકળી રહ્યો છે. એવા વિસ્તારોમાં ખેડુતોએ વાવણી કાર્યનો પ્રારંભ કરી દીધો છે. પોતાના વાડી-ખેતરમાં સિંચાઈની સુવિધા હોય એવા ઘણા ખેડુતોએ તો વરસાદ પહેલા જ લીલા શાકભાજીનું વાવેતર કરી દીધુ હતુ. એટલે શાકભાજી તૈયાર થઈને માર્કેટમાં આવતા હજુ મહિનો લાગશે. ત્યારબાદ ભાવ ઘટવાની શક્યતા છે. હાલ રાજ્યભરના તમામ માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની પુરતી આવક ન હોવાથી ભાવમાં અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. ખેડુતો પાસેથી પ્રતિકિલો 50 રૂપિયે ખરીદાતા શાકભાજી ગ્રાહકો પાસે પહોંચતા ત્રણગણા વધુ ભાવ ચૂકવવા પડતા હોય છે. કારણ કે જથ્થાબંધ અને છૂટક ફેરિયા બમણો નફો લેતા હોય છે.
અમદાવાદ એપીએમસી યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ખેડુતો પાસેથી પ્રતિ કિલો 50ના ભાવે ખરીદેલું શાકભાજી ગ્રાહકો પાસે જતા રૂપિયા 100ના ભાવે પ્રતિ કિલોનું વેચાણ થઇ રહ્યું છે. પરવર, ટીંડોડા, ફુલાવર, લીબું, ભીંડા, કારેલા શાકભાજીના ભાવ પ્રતિ કિલો 100ને વટાવી ગયા છે. મહિનાઓ અગાઉ જ્યારે ખેડુતો ડુંગળીનો પાક વેચી રહ્યા હતા. ત્યારે સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ ગગડી ગયા હતા. મફતના ભાવે ખેડુતોને ડુંગળી વેચવાની ફરજ પડી હતી. અને વેપારીઓએ ડુગળીની મોટાપાયે ખરીદી કરીને ડુંગળીનો સ્ટોક કરી દીધો હતો. ત્યારબાદ સરકારે નિકાસબંધી ઉઠાવી લેતા ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ છૂટક માર્કેટમાં પ્રતિકિલો ડુંગળી 50ના ભાવે વેચાય રહી છે.
સૂત્રોના કહેવા મુજબ શાકભાજીના ભાવ ખેડુતોને પુરતા મળતા નથી અને વધુ નફો વેપારીઓ કમાય છે. શાકભાજીના પાકની ખેતીની સામે થતાં ખર્ચ કરતા હોલસેલ ભાવ ઓછો મળી રહ્યો હોવાનો સૂર ખેડુતોમાં ઉઠી રહ્યો છે. જોકે ખેડુતો પાસેથી હોલસેલ ભાવે વેપારીઓ શાકભાજી પ્રતિ કિલો રૂપિયા 50ના સુધીના ભાવે ખરીદી રહ્યા છે. જે ગ્રાહકો પાસે પહોંચતા જ પ્રતિ કિલો શાકભાજીનો ભાવ બમણો થઇ જતા હોય છે. વચેટીયાઓ શાકભાજીના ઓછા ઉત્પાદનના બહાને ખેડુતો અને ગ્રાહકોની પાસે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. (file photo)