રાજકોટઃ શહેરમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર હવે છાશ પણ ફુંકીને પીએ છે, અને ફાયર સેફ્ટીથી લઈને તમામ નિયમો કડક બનાવાયા છે. રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં દર વર્ષે જન્માષ્ટમીનો 5 દિવસનો મેળો યોજાય છે. તંત્ર દ્વારા આ વખતે મેળામાં રાઈડ્સ માટે નવી એસઓપી જાહેર કરી છે. જેમાં રાઇડસના સંચાલકો માટે રાઇડસ માટે NDT (નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ) રિપોર્ટ, ફાઉન્ડેશન, ફિટનેસ સર્ટિના નવા નિયમ બનાવવામાં આવ્યા છે, જેનો રાઇડસ ધારકો શરૂઆતથી વિરોધ કરી રહ્યા છે. દરમિયાન યાંત્રિક રાઈડસ માટે થયેલી છેલ્લી હરાજીમાં રાઇડસના 70 જેટલાં વેપારીઓએ ભાગ લીધો ન હતો અને નિયમો હળવા કરવામાં નહીં આવે તો રાઇડસ વિનાનો મેળો યોજાશે એવું એલાન કર્યું હતું.
રાજકોટના જન્માષ્ટમીના પર્વ દરમિયાન યોજાતા 5 દિવસમા મહામેળામાં આ વખતે સ્ટોલધારકોથી લઈને તમામ માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. વેપીરાઓના કહેવા મુજબ તમામ નિયમોનું પાલન કરવું અઘરૂં છે. આ વખતે સુરક્ષાના ભાગરૂપે સ્ટોલમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં રાઇડસ 96થી ઘટાડી 46 કરવામા આવી છે. રાઇડસની સાથે આઈસ્ક્રીમના વેપારીઓ પણ વીફર્યા હતા અને હરાજીમાં ભાગ લીધો ન હતો. આ પરથી એવું લાગે છે કે, આ વખતના લોક મેળાનું આયોજન કરવામાં વહીવટી તંત્ર નબળું પુરવાર થયું છે.
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકમેળા માટે 65થી 70 જેટલા રાઇડસ ધારકો હરાજીમાં આવ્યા હતા. અમારી જે માંગણીઓ હતી તેનું કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. જેથી અમે હરાજીમાં ભાગ લીધો નથી. અમારા ત્રણ પ્રશ્નો હતા. જેમાં, જમીનની ક્ષમતાનો રિપોર્ટ, NDT રિપોર્ટ અને રાઈટ્સ માટેનું સ્ટ્રક્ચર એટલે કે ફાઉન્ડેશન ભરવાના નિયમનો વિરોધ છે. આ પ્રકારના નિયમો પાલન કરવા માટે ત્રણથી છ માસનો સમય આપવાની જરૂર છે. થોડું રાજ્ય સરકાર બાંધછોડ કરે અને થોડું અમે બાંધછોડ કરીએ કારણ કે, રાજકોટના લોકમેળા સાથે અમારી માંગણીઓ જોડાયેલી છે. આ લોકમેળામાં અમે 35 વર્ષથી ભાગ લઈએ છીએ. રાજકોટના મેળામાં ચકડોળ નહીં લાગે તો પણ દુઃખ થશે. અન્ય રાજ્યોમાં રાઇડસ માટે પરર્ફોર્મન્સ લાયસન્સના નિયમો અલગ છે. અહીં મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના, હરણી બોટકાંડ, કાંકરિયા કાંડ જેવી દુર્ઘટનાઓ બનેલી છે. મેળામાં અમે રૂ. 2 કરોડનો વીમો લેવાના છીએ. લોકોની સલામતી જળવાઈ રહે તે અમારી પ્રાથમિકતા છે પરંતુ, જો નિયમોમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે તો અમે મેળામાં રાઈડસ મૂકી શકીશું નહીં. રાઇડસ ધારકો માટેના નિયમો અઘરા છે. જે કોઈપણ સંજોગોમાં અમે પાલન કરી શકીએ તેમ નથી.
જ્યારે આઈસ્ક્રીમના વેપારીઓના કહેવા મુજબ લોકમેળાનો પહેલા જે નકશો બતાવવામાં આવ્યો હતો તેમાં આઈસ્ક્રીમના અગાઉના 16 સ્ટોલ ઘટાડી 11 કર્યા હતા. બાદમાં હવે આજે જ્યારે હરાજી હતી ત્યારે 16 સ્ટોલ કર્યા. જેથી, અમારી માંગણી હતી કે, સ્ટોલની કિંમત ઘટાડવામાં આવે અથવા તો સ્ટોલની સંખ્યા ઘટાડવામાં આવે. ગત વખતે આઇસ્ક્રીમ સ્ટોલની કિંમત 3.50 લાખ હતી. જે આ વખતે વધારીને 4.50 લાખ કરી નાખવામાં આવી છે.