- વેપારીઓએ ચોપડા પૂજન કરીને વેપારનો શુભારંભ કર્યો,
- વેપારીઓએ જ્ઞાન પંચમીની પૂજા કરી,
- બજારો ધમધમતા થતાં ગ્રાહકો પણ ખરીદી કરવા લાગ્યા
અમદાવાદઃ દિવાળીના તહેવારો બાદ વેપારીઓએ પણ આજે લાભ પાંચમથી પોતાના વેપાર-વણજનો શુભારંભ કર્યો છે. આજે સવારથી તમામ બજારોમાં રાબેતા મુજબનો ધમધમાટ જોવા મળ્યો હતો. અને ગ્રાહકો પણ ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ઘણા વેપારીઓએ શુભ મૂહુર્તમાં ખરીદીના સોદા કર્યા હતા, લાભપાંચમને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે. એટલે વેપારીઓએ સરસ્વતી અને લક્ષ્મીજીનું પૂજન કર્યુ હતું ત્યારબાદ વેપારનો શુભારંભ કર્યો હતો.
વિક્રમ સવંત-2081નું વર્ષ વેપાર-ધંધા ક્ષેત્રે સફળ રહે તેવી આશા-અપેક્ષાઓ સાથે નાના-મોટા વેપારીઓએ આજે લાભ પાંચમના દિને શુભ મૂહુર્ત સાથે વેપાર-ધંધાની શરૂઆત કરી હતી. જૈન સમાજના વેપારીઓ દ્વારા લાભ પાંચમની પૂજા સાથે જ્ઞાન પંચમીની (ચોપડા પૂજન) પૂજા કરવા સાથે વેપાર-ધંધાની શરૂઆત કરી હતી. ગત વર્ષ સફળ રહેતા નાના-મોટા તમામ વેપારીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. આ વર્ષ પણ સફળ રહેશે તેવો તેમના ચહેરા ઉપર ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિક્રમ સંવત 2080ના અંતિમ દિવસ પ્રકાશ પર્વ દિપાવલીની ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ શહેરમાં નાના-મોટા વેપારીઓએ નવા વર્ષના વધામણા કરવા માટે પોતાના વેપાર-ધંધા બંધ કરી દીધા હતા. અનેક સોનેરી સપના લઈને આવેલા વિક્રમ સંવત 2081ની ઉજવણી કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. છ દિવસ સુધી નવા વર્ષની ઉજવણી કર્યા બાદ વેપારીઓએ આજે લાભ પાંચમના પાવન દિવસથી સારા વેપારીના વિશ્વાસ સાથે શરૂઆત કરી હતી. બજારો ખુલતા સવારથી માર્ગો ઉપર ચહલપહલ જોવા મળી હતી. લોકો પણ આગામી એક સપ્તાહ બાદ શરૂ થઈ રહેલી લગ્નસરાની મોસમને લઈ ખરીદીનું મૂહુર્ત કર્યું હતું. પરિણામે બજારો ખુલતાની સાથે જ ગ્રાહકો ખરીદી માટે આવી પહોંચતા વેપારીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. લાભ પાંચમના દિવસે આજે સુરતમાં કાપડ માર્કેટ સહિત વેપાર-ધંધાની આજથી વિધિવત રીતે ભગવાનની પૂજા કરી શરૂઆત કરવામાં આવી હતી. તેમજ અમદાવાદના કાળુપુર માર્કેટ. મસ્કતી માર્કેટ માણેક ચોક, ગાંધી રોડ સહિત તમામ બજારોમાં ધમધમાટ જોવા મળ્યો હતો.