અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તાર એવા ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધી ઓન સ્ટ્રીટ પાર્કિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા આપવામાં આવેલા ઓન સ્ટ્રીટ પાર્કિગનો ત્રણ દરવાજા વિસ્તારના સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ આ મામલે મ્યુનિસિપલ કમિશનરથી લઈ મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસરને લેખિત રજુઆતો કરી છે. ઓન સ્ટ્રીટ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થશે, શહેરના ભદ્ર પ્લાઝા અને પાનકોર નાકા પાસે મ્યુનિસિપલ સ્કૂલમાં પે એન્ડ પાર્કિંગની સુવિધા હોવા છતાં પણ મ્યુનિ. દ્વારા ઓન સ્ટ્રીટ પાર્કિંગ આપવામાં આવ્યું છે તેને રદ કરવાની માગણી કરી છે. જો આગામી દિવસોમાં રદ નહીં કરવામાં આવે તો વેપારીઓ દ્વારા કોર્પોરેશન બહાર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજાના વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોન અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધી રોડ પર પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને રદ કરવાની માગણી કરતી અરજી સ્થાનિક વેપારીઓએ કરી છે, જેમાં જણાવાયું છે. કે, રોડ ઉપર વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે. ભદ્ર પ્લાઝામાં આશરે 1000થી 1200 જેટલા અને મ્યુનિસિપલ સ્કૂલમાં પણ પે એન્ડ પાર્ક છે. વેપારીઓ અને લોકો વાહન પાર્ક કરે છે. તાજેતરમાં જ AMTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. જો બસ ત્યાંથી પસાર થાય અને રોડ ઉપર વાહન પાર્કિંગ હોય તો દુકાનદારોથી લઈ લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડશે.
વેપારીઓના કહેવા મુજબ દિવાળીના તહેવાર દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધતી જશે. લાલદરવાજા ત્રણ દરવાજાથી લઈ પાનકોર નાકાના વેપારીઓની માગણી છે કે, ઓનસ્ટ્રીટ પે એન્ડ પાર્કિંગ રદ કરવામાં આવે. લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેને ધ્યાનમાં રાખી અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાર્કિંગને રદ કરવાની માગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ બહાર રેલી યોજી અને ધરણા કરવામાં આવશે.