સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયરની સુવિધા ન હોય કે એનઓસી ન હોય કે બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો, એકમો. દુકાનોને સીલ કરવામાં આવી રહી છે. શહેરના કૂબેરજી માર્કેટની 700 જેટલી દુકાનોને એક સાથે સીલ મારી દેવાતા મ્યુનિ. કોર્પોરેશન સામે વેપારીઓનો વિરોધ ઊભો થયો છે. વેપારીઓ માલ-સામન અનેજરૂરી દસ્તાવેજ બહાર કાઢવાની માગ કરી હતી. પણ અધિકારીઓ માન્યા નહતા. તેથી વેપારીઓનો મ્યુનિ.કોર્પોરેશનની કચેરી દોડી ગયા હતા. પણ ગાંધીનગરથી સુચના હોવાથી મ્યુનિના અધિકારીઓ સીલ ખોલવા તૈયાર થયા નહોતા.
સુરત મ્યુનિ.કોર્પોરેશને શહેરની સારોલી વિસ્તારની 700 દુકાનો ધરાવતી કુબેરજી માર્કેટને મોડી રાતે સીલ માર્યું હતું. દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર ટ્રાન્સપૉર્ટ ગોડાઉનમાં 4 કામદારો ઊંઘતા હોવાથી ફસાઇ ગયા હતા, જેમને સીલ ખોલીને બહાર કઢાયા હતા. સવારે દુકાને આવેલા વેપારીઓએ જાણ વગર જ કરાયેલી કાર્યવાહી મુદ્દે વેપારીઓએ મ્યુનિ. કચેરીએ મોરચો લઈ જઈને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ જરૂરી દસ્તાવેજ અને માલ-સામાન કાઢવા પૂરતું સીલ ખોલી આપવા માગણી કરી હતી. પણ અધિકારીઓ માન્યા નહતા. મ્યુનિ. સમક્ષ BU સર્ટિ રજૂ ન કરાતાં સારોલીની કુબેરજી માર્કેટમાં સીલિંગ કાર્યવાહી કરાઇ હતી. મ્યુનિ.કચેરીએ દોડી આવેલા વેપારીઓએ એવી રજુઆત કરી હતી કે, 5 વર્ષથી માર્કેટમાં વેચાણ માટેના જરૂરી દસ્તાવેજ લઇ વેપાર થાય છે. મોડી રાતે થયેલી કાર્યવાહીને લીધે ચેક બુક સહિતના જરૂરી ડોક્યુમેન્ટ દુકાનમાં જ રહી જતાં લોનના હપ્તા ચુકવણી અને કામદારોનું વેતન લંબાઈ ગયું છે. માર્કેટમાં ઓનલાઇન સેલર્સની સંખ્યા પણ વધુ હોવાથી ડિલિવરી ઠપ થઇ જતાં આર્થિક ફટકો પડે તેવી સ્થિતિ છે. વેપારીઓએ ટેમ્પરરી સીલ ખોલી આપવા પણ માંગ કરી હતી.
સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રવિવારે સિલિંગની ઝૂબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉધના દરવાજાનું પરાગ હાઉસ સીલ કરાયું હતું. મ્યુનિ. કમિશનરે બનાવેલી મોનિટરિંગ કમિટીમાં ઝોનના અધિકારીઓને જવાબદારી સોંપી કાર્યવાહીના આદેશ કર્યો છે.