Site icon Revoi.in

યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોના આતંકને લીધે વેપારીઓએ બંધ પાળી રોષ વ્યક્ત કર્યો

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ અનેક યાત્રાળુંઓ દર્શન માટે આવતા હોય છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો યાત્રાળુંઓના મોબાઈલ ફોનની ચોરી કરતા હોય છે. તેમજ મંદિર તરફ ચાલતા જતાં લોકોને પણ ટાર્ગેટ બનાવતા હોય છે. આ ઉપરાંત વેપારીઓ પણ આવા લૂખ્ખા તત્વોનો ભોગ બની રહ્યા છે. તેના વિરોધમાં વેપારીઓએ આજે બંધ પાળીને વિરોધ કર્યો હતો. જોકે વેપારીઓએ બંધના એલાન આપતાં જ પોલીસ અધિકારીઓએ વેપારીઓ સાથે મીટિંગ કરીને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ બંધ પાળીને અસરકારક કામગીરી કરવાની પોલીસ સમક્ષ માગણી કરી હતી.

સૌથી મોટા શક્તિપીઠ ગણાતા યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે. ત્યારે કેટલાક મહિનાઓથી અસામાજિક તત્વો દ્વારા મોબાઇલ ચોરીના બનાવો વધી રહ્યા છે. તેમજ વોકિંગ કરવા નીકળતા લોકોને પણ ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે. બજારની દુકાનોને પણ આવા તત્ત્વો ટાર્ગેટ બનાવી રહ્યાં છે. આવી ઘટનાઓને પગલે અંબાજીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાની ફરિયાદ પણ સ્થાનિક લોકો કરી રહ્યાં છે. ત્યારે અંબાજીના વેપારીઓએ માનસરોવર ખાતે મિટિંગ યોજી હતી. જેમાં મોટા ભાગના વેપારીઓ ભેગા થઈને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ સાંજે અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારીઓએ સાથે અંબાજી પોલીસે મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં અંબાજીના PSI સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને પોલીસના આશ્વાસન બાદ બજાર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ રાત્રે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની-મોટી મિટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને છેલ્લે સમગ્ર અંબાજી એક થઈ બંધનું એલાન કર્યું હતું. અને આજે અંબાજી બંધ રહ્યું હતું.

વેપારીઓના કહેવા મુજબ તાજેતરમાં અંબાજીમાં ભરબજારે લુખ્ખા તત્ત્વોએ એક મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કર્યો હતો. આ મેડિકલ સ્ટોર્સ રાજ્યના આરોગ્ય મંત્રીના મોટાભાઈનો હતો. અંબાજીમાં લૂખ્ખાતત્વોનો ત્રાસ વધતો જાય છે.  બાઈક ચોરી, મોબાઈલ છીનવી લેવા, ઘરફોડ જેવી અનેક ધટનાઓને લઇ અંબાજીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં આજે અંબાજીના બજારો સજ્જડ બંધ રહ્યા હતા.