Site icon Revoi.in

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચાઈનિઝ લસણ વેચાવા આવતા વેપારીઓએ વિરોધ કર્યો

Social Share

જામનગર:  ભારતમાં ચાઈનિઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં તેનું ખૂલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દરમિયાન હાપાના માર્કેટિંગ યાર્ડમાં  ચાઈનિઝ લસણની 50 ગૂણી વેચવા માટે આવી હતી. લસણની હરાજી થતી હતી. ત્યારે કેટલાક વેપારીઓના ધ્યાન પર આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અતે ચાઈનિઝ લસણનો જથ્થો પરત મોકલવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાઈનિઝ લસણ ખૂલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવા છતાંયે પોલીસ દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતા નથી.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં શનિવારે ચાઇનાના લસણનો યાર્ડના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને 1 લાખથી વધુની કિંમતનો 50 ગુણી લસણ પરત મોકલવામાં આવ્યું હતું. હાપા યાર્ડના વેપારીઓ દ્વારા ચાઇનાના લસણનો વિરોધ કરવામાં આવતા માર્કેટીંગ યાર્ડ સમિતિએ પણ તાત્કાલીકના ધોરણે પગલા લીધા હતા.

હાપા માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ચાઇનાના લસણનો 50 ગુણી જેટલો માલ વેચાવા માટે આવતા તેને પરત કરવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડયો હતો. ઉલ્લેખનીય છે કે ચાઇનાના લસણનો પ્રતિબંધ હોવા છતાં વેચાણ માટે જામનગરના હાપા યાર્ડમાં ચાઇના લસણ આવ્યું હતું. બાદમાં વેપારીઓને ધ્યાને આવતા હરાજીનો વિરોધ દર્શાવી લસણ પરત કરવામાં આવ્યું હતુ.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,ભારતમાં ચાઇનાના લસણને પ્રતિબંધ હોય ત્યારે ચાઇના દ્વારા આ લસણને દુબઈ મારફતે ફ્રી ડ્યુટીથી ભારતમાં ઘૂસેડવામાં આવી રહ્યું છે અને મુંબઈ ખાતેથી ભારતના જુદા જુદા વિસ્તારોમાં અને યાર્ડ ખાતે આ ચાઇના લસણનું વેચાણ કરવા મોકલી આપવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતના મોટાભાગના યાર્ડ દ્વારા પ્રતિબંધિત આ ચાઇના લશણને પરત મોકલવામાં આવી રહ્યું છે અને જેના ભાગરૂપે આજે પ્રથમ વખત જામનગરના હાપા યાર્ડમાં ચાઇના લસણ આવતા વેપારીઓએ પણ વિરોધ દર્શાવી લસણની ખરીદી કરી નથી અને ચાઇનાના લસણનો બહિષ્કાર કર્યો છે.