Site icon Revoi.in

ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહ પરિવાર લટાર મારવા નિકળતા વાહન વ્યવહાર થંભી ગયો

Social Share

અમરેલીઃ જંગલના રાજા ગણાતા વનરાજોને હવે રેવન્યુ વિસ્તાર ગમી ગયો હોય તેમ અમરેલી જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાના રાજુલા-જાફરાબાદને જોડતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર સિંહ પરિવારની સતત અવર-જવર જોવા મળે છે. ત્યારે સિંહ પરિવાર હાઈવે પર રોડ ક્રોસ કરી રહ્યા હોવાનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. ચાર સિંહ-સિંહણ તેમજ બે સિંહબાળની લટાર જોવા મળી હતી. સિંહ પરિવારની લટારને પગલે હાઈવે પર થોડીવાર માટે હાઈવે પરનો ટ્રાફિક અટકી ગયો હતો.

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લાના લોકો પણ સિંહને આદર આપતા હોય છેય તેમજ સિંહોને આસાનીથી શિકાર પણ મળી રહેતો હોય છે. સિંહ પરિવાર શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારતા જોવા મળતા હોય છે.  અનેક વખત હાઇવે ઉપર સિંહોની લટાર જોવા મળે છે, ખાસ કરીને છેલ્લા એક માસથી આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, જેમાં સિંહો જોખમી રીતે હાઈવે પર રોડ ક્રોસ કરતા જોવા મળે છે, હાઈવે પર વાહનોની અવર-જવર સતત ચાલુ હોય છે, જેથી સિંહોની સુરક્ષાને લઈ મોટો ખતરો ઊભો થયો છે. ભૂતકાળમાં કેટલાક સિંહો રોડ અકસ્માતમાં મોતને ભેટી ચૂક્યા છે, ત્યારે ફરીવાર સિંહો આ રીતે ખુલ્લેઆમ રાત્રિના સમયે હાઈવે ક્રોસ કરવાની ઘટના સામે આવી છે.

ભાવનગર-સોમનાથ હાઈવે પરરાતના સમયે  સિંહ પરિવારની લટાર કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં જોઈ શકાય છે કે 4 સિંહ-સિંહણ તેમજ 2 બાળસિંહ હાઈવે પર લટાર મારી રહ્યા છે તેમજ આગળ જઈ રોડ ક્રોસ પણ કરી રહ્યા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર જાફરાબાદના ટીબી, નાગેશ્રી, દુધાળા, કાગવદર, બાલાની વાવ, ચારનાળા, હિંડોરણા રાજુલાના લોઠપુર, કોવાયા, પીપાવાવ રોડ, નિંગાળા, કડિયાળી, હિંડોરણા રોડ સહિતમાં વહેલી સવારે અને મોડી રાતે સિંહોની અવરજવર જોવા મળે છે. ભૂતકાળમાં જાફરાબાદ તાલુકાના ધોળાદ્વી પાસે અજાણ્યા વાહન અડફેટે બે બાળસિંહનાં મોત થયાં હતાં તેમજ અન્ય જગ્યાએ ટ્રકની અડફેટે સિંહનું મોત થયું હતું. રોડ અકસ્માતમાં કેટલાક સિંહોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે ફરીવાર હાઇવે ઉપર સિંહ પરિવાર જોખમી રીતે રોડ ક્રોસ કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે વન વિભાગે પણ સિંહોને ખદેડવાની કામગીરી હાથ ધરી છે.

સૌરાષ્ટ્ર અને ખાસ અમરેલી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સિંહોના આંટાફેરા કંઈ નવી વાત નથી. અનેક વખત સિંહ પરિવાર હાઈવે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ લટાર મારતા હોય છે.  જિલ્લામાં સિંહો ખુલ્લા વાતાવરણમાં વધુ જોવા મળતા હોય છે. ત્યારે બે મહિના પહેલાં સિંહ પરિવારે રાજુલાના કોવાયા ગામમાં વરસાદી માહોલની મજા માણી હતી. કોવાયા નજીક આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કોલોની ગેટ નજીક 5 જેટલા સિંહો ખુલ્લામાં લટાર મારવા નીકળ્યા હતા, જેનાં દૃશ્યો કોઇએ મોબાઇલના કેમરામાં કેદ કર્યાં હતા.