અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જાંબુવા બ્રિજ પર ખાડાંઓને લીધે સર્જાતો ટ્રાફિક જામ
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે, અને દેશમાં સૌથી વધુ ટ્રાફિકમાં પ્રથમ હરોળમાં ગણાય છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની લાપરવાહીથી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. નેશનલ હાઈવે પર વડોદરા નજીક જાંબુવા બ્રિજ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાંઓને કારણે છેલ્લા ચાર-પાંચ દિવસથી ટ્રાફિક જામના દ્રશ્યો જાવા મળી રહ્યા છે. આજે શુક્રવારે સવારે 5 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાતો વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇ-વે પર જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી જતા આજે શુક્રવારે વહેલી સવારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. છેલ્લા ચાર-પાંચ દિવસથી આ સ્થિતિ જોવા મળી રહી છે. રોજ સવારે અને સાંજે જાંબુવા બ્રિજથી 5 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાય છે, જેને કારણે વાહનચાલકો પરેશાન છે. આ સાથે જ આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકના કારણે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોજેરોજના માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ બ્રિજ પર પડેલા ખાડાં પુરવાની દરકાર પણ લેતા નથી.
વડોદરા પાસે નેશનલ હાઇવે પર શુક્રવારે સવારમાં પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતાં. જાંબુવા બ્રિજથી કપુરાઇ બ્રિજ સુધી ટ્રાફિકજામ થતા લોકો કલાકો સુધી ફસાઇ ગયા હતા. અહીં દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી