અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલાથી બગોદરા સુધી રોડના કામોને લીધે ઠેર ઠેર થતો ટ્રાફિકજામ
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈને 6 માર્ગિય પહોળો કરવાનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલી રહ્યું છે. આ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. સાયલાથી લઈને છેક બગોદરા સુધી હાઈવે પર ઓવરબ્રિજ સહિતના કામો ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. તેના લીધે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ લીંબડી બગોદરા હાઈવે ઉપર સતત ટ્રાફિક વધી રહ્યો છે. બગોદરાથી લઈ અને સાયલા સુધી ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે. આજે હાઈવે પર 10 કિ.મી સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઓવરબ્રિજ અને હાઈવેને પહોળો કરવાનું કામ મંથરગતિએ ચાલી રહ્યું છે. તેના લીધે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. હાઈવે પર ડાયવર્ઝનને કારણે અનેકવાર અકસ્માતો પણ સર્જાયા છે. અસંખ્ય વાહનો પસાર થતા હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સાયલાથી લઈ અને છેક બગોદરા સુધીની ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આજે લીંબડીથી સાયલા સુધી 10 કિ.મી સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારે સાયલા પોલીસ તેમજ લીંબડી પોલીસ ટ્રાફિકને પૂર્વવત કરાવવા માટે પહોંચી હતી. પરંતુ છેક બગોદરા સુધી આ સમસ્યા સર્જાઈ હોવાના કારણે ટ્રાફિક પૂર્વવત કરાવવામાં ભારે મુસીબત સામનો કરવો પડ્યો હતો.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ-રાજકોટ હાઈવેને પહોળો કરવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. હાઈવેનું કામ વહેલી તકે પૂર્ણ કરવા વેપારી મહામંડળ સહિત અનેક અગ્રણીઓએ હાઈવે ઓથોરિટીને રજુઆતો કરી છે. પરંતુ હાઈવેનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કામો કેટલા દિવસ ચાલશે અને ક્યાં સુધી ચાલશે તેનો પણ સમય નક્કી નથી. હાઇવેને ટ્રાફિક જામમાંથી ક્યારે છુટકારો મળશે તે નક્કી નથી.