ભૂજઃ કચ્છ-મોરબી હાઈવે પર સતત ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સુરજબારી બ્રિજ પર ટ્રાફિકજામના આવાર-નવાર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોજબરોજ હાઈવે પર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. તેના લીધે જામ થયેલા ટ્રાફિકને ક્લિયર કરવામાં કલાકો વિતી જતાં હોય છે. સુરજબારી બ્રિજ નજીક બુધવારે વહેલી સવારે બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને 6 કિમી સુધી વાહનોની કતારો જોવા મળી હતી.
કચ્છના પ્રવેશ દ્વાર સુરજબારી બ્રીજ ઉપર ફરી એક વખત ટ્રાફિક જામ સર્જાયો હતો. આજે બુધવારની વહેલી પરોઢે પાંચ વાગ્યાથી વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો. જેને લઇ કચ્છ અને મોરબી બંને તરફના માર્ગે અંદાજિત પાંચથી છ કિલોમીટર વાહનોની લાંબી કતારો જોવા હતી. બ્રિજ ઉપર કન્ટેનર ટ્રેલર અને ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ રોગ સાઈડમાં વાહનો ચડી આવતા ટ્રાફિક સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલા બન્ને કન્ટેનર વાહનોને ક્રેનની મદદ વડે ખસેડી લેવામાં આવ્યા હતા. દરમિયાન ટ્રાફિકજામના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતો. જો કે સામખિયાળી પોલીસ અને સુરજબારી ટોલગેટની હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ટ્રાફિક ક્લિયરીંગના પ્રયાસો હાથ ધરાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે પરોઢે 5 વાગ્યાની આસપાસ સુરજબારી બ્રિજ ઉપર મોરબી જતા માર્ગે બે વાહનોની ટક્કર બાદ વાહન વ્યવહાર કચ્છ તરફ આવતા માર્ગે રોંગ સાઈડમાં પહોંચી જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત ગ્રસ્ત વાહનોને હાઇવે તંત્ર દ્વારા તુરંત ખસેડી લેવામાં આવ્યા હતા. હાલ તંત્ર દ્વારા વાહનોને પરત યોગ્ય માર્ગે લેવડાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. અને બપોર સુધીમાં ટ્રાફિકને ક્લિયર કરી દેવામાં આવ્યો હતો.