Site icon Revoi.in

યાત્રાધામ અંબાજીમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાતાં વાહનોથી સર્જાતી ટ્રાફિકની જામની સમસ્યા

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. એટલે અંબાજીમાં શક્તિપીઠના દ્વારથી એસટી બસ ડેપો સુધી મેળા જેવી ભીડ જોવા મળતી હોય છે. આ વિસ્તારમાં રોડ પર નો પાર્કિંગ ઝોનના બોર્ડ લગાવવામાં આવ્યા છે. છતાંયે વાહનચાલકો બિન્દાસ્તથી નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરી રહ્યા છે. જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે.

અંબાજીમાં  શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીના રોડ પર ભરચક ટ્રાફિક જોવા મળતો હોય છે.  આ  હાઇવે માર્ગ પર યાત્રાળુઓની અવર જવર હોવાના લીધે અને મોટી સંખ્યામાં પસાર થતા વાહનોને ધ્યાને રાખીને 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સહિતના અન્ય માર્ગોને જિલ્લા કલેક્ટર દ્વારા નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. છતાં પણ વાહનચાલકો નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરી રહ્યા છે. રવિવાર હોય કે પૂનમ હોય કે કોઈ જાહેર રજાના દિવસોમાં અંબાજીમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે અને વાહનોની સંખ્યા પણ વધી જતી હોય છે. ત્યારે અંબાજીના પોલીસ જવાનો અને ટીઆરબીના જવાનો નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનચાલકો સામે કોઈ જ પગલાં લેતા નથી.

અંબાજીના જાહેર હાઇવે માર્ગો પર વાહનો આડેધડ ઉભા કરી દેવાય છે. રિક્ષાઓ પણ નો પાર્કિંગના બોર્ડ જોડે મોટા પ્રમાણમાં ઉભી રહે છે. હાલમાં સમગ્ર અંબાજીના માર્ગો પર વાહનો માટે બનાવેલા નિયમો અને જિલ્લા કલેક્ટરના જાહેરનામાંનો ભંગ થયો જોવા મળે છે. જેનું પરિણામ આમ જનતા અને બહારથી આવતા યાત્રાળુઓ અને વાહનચાલકો ભોગવી રહ્યા છે. આથી અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળનો હાઇવે માર્ગ પર 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીનો રોડ પરના પાર્કિંગ ઝોનમાં ઊભા રહેતા રિક્ષાચાલકો અને આડેધડ પાર્કિંગ કરેલા વાહનો પર અંકુશ લગાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યાને હલ કરી શકાય છે.