અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અવાર-નવાર ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. વાહનચાલકોમાં ટ્રાફિકના કાયદાનું યોગ્યરીતે પાલન થાય અને ટ્રાફિકના નિયમો વાહનચાલકો સમજતા થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. શહેરમાં ઘણાબધા વાહનચાલકો રોંગ સાઈડમાં પોતાના વાહનો ચલાવતા હોય છે તેના લીધે અકસ્માતો સર્જાતા હોય છે. ઘણ વાહનચાલકો તો ટ્રાફિકના નાના સર્કલ ફરીને જવાને બદલે શોર્ટકટ અપનાવતા હોય છે. આ ઉપરાંત ઘણાબધા વાહનો પર HSRP નંબર પ્લેટસ પણ હોતી નથી. આવા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેના પરિણામે ટ્રાફિક પોલીસે એચએસઆરપી નંબર પ્લેટને લઈને સ્પેશ્યિલ ડ્રાઇવની શરૂઆત કરી છે. જેમાં શહેર પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ 11 જૂન સુધીમાં એચએસઆરપી નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે. આ સાથે રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી થશે. પહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. ત્યારે હવે ફરી એકવાર ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ પર વાહનો ચલાવનારા અને એચએસઆરપી નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા ડ્રાઈવનું આયોજન કર્યું છે. રોંગ સાઈડ પર વાહન ચલાવવાને કારણે ગંભીર અકસ્માતો થતા હોય છે.
ત્યારે કેટલાક અકસ્માત થતા વાહનની એચ.એસ.આર.પી નંબર પ્લેટ ન હોવાને કારણે અકસ્માત કરનારની ઓળખ કે શોધખોળ કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે. જેને ધ્યાને રાખી એક અઠવાડિયા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટુ વ્હીલર ચાલકને રૂ.1500નો દંડ અને ફોર વ્હીલર ચાલકો માટે 3000 અને ભારે વાહનો માટે 5000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જેને ધ્યાને રાખી કમિશ્નર દ્વારા 11 જૂન સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.